સમાજના ઋણ સ્વીકારના ભાગરૂપે મેડિસિન અને સ્ત્રીરોગ વિભાગમાં નિ:શુલ્ક ઓ.પી.ડી. સેવા પૂરી પડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જયનાથ હોસ્પિટલની એક યાદીમાં જણાવાયું છે કે ડોકટરી સહાય કે મેડિકલ કેરના અભાવના કારણે કોઈ દર્દી તબીબી સારવારથી વંચિત ન રહે તેવા શુભ સંકલ્પ સાથે કાર્યરત જયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ- સદ્ભાવના જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત જયનાથ હોસ્પિટલની તબીબી સેવાઓને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવાકીય ઉજવણી કરવાના ભાગરૂપે અને સમાજના ઋણ સ્વીકાર સાથે નિ:શુલ્ક ઓ.પી.ડી. સેવા આજે તા. 1-7-2025 ને મંગળવાર ‘ડૉકટર્સ ડે’થી મેડિસિન વિભાગ અને સ્ત્રીરોગ વિભાગમાં નિ:શુલ્ક ઓ.પી.ડી.નો પ્રારંભ કરવામાં આવશે.
- Advertisement -
ભક્તિનગર સર્કલ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત જયનાથ હોસ્પિટલ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. ગરીબ દર્દીઓને નબળી આર્થિક પરિસ્થિતિને કારણે સારવાર ન મળે તેવું જયનાથ હાસ્પિટલમાં ક્યારેય થયું નથી. લોકો અને અને લોકો દ્વારા બનેલી જયનાથ હોસ્પિટલની તબીબી ક્ષેત્રે સેવાઓને 25 વર્ષ પૂર્ણ થતાં ટ્રસ્ટીઓ દ્વારા સામાજિક ઋણનો સ્વીકાર કરી તમામ દર્દીઓ માટે આજે તા. 1-7-2025 મંગળવારથી મેડિસિન અને ગાયનેક ડીપાર્ટમેન્ટમાં નિ:શુલ્ક નિદાન (ઓ.પી.ડી.) સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે.
રાજકોટ શહેરના દર્દીઓને વર્ષોથી રાહત દરે તબીબી સેવા આપતી જયનાથ હોસ્પિટલમાં એમ.ડી. ડૉ. ઋષિલ દોંગા અને સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. મુદ્રા પેથાણી દરેક દર્દીઓની તપાસ નિ:શુલ્ક કરી આપશે. આમ દર્દીઓના વિશ્ર્વાસરૂપી ભરોસાનું ઋણ ચૂકવવાના એક નાનકડા પ્રયાસરૂપે સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત જયનાથ હોસ્પિટલ દ્વારા દર શનિવારે બધા વિભાગોમાં નિ:શુલ્ક તપાસ કરવામાં આવે છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા જયનાથ હોસ્પિટલના મેડિસિન વિભાગ અને સ્ત્રીરોગ વિભાગમાં નિ:શુલ્ક ઓ.પી.ડી. સેવાનો લાભ લેવા જરૂરિયાતમંદ દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.