બાઈકમાં અકસ્માત સર્જ્યો, પૈસાનો વહિવટ કરવો જ પડશે કહી મારી નાંખવાની ધમકી
‘આ રોડ મારા બાપનો છે, મારો કોઈ વાળ વાંકો ન કરી શકે’ : માલવીયાનગર પોલીસમાં ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બન્યાં હોય તેમ ધોળા દિવસે લૂંટનો બનાવ બનવા પામ્યો છે નાના મવા સર્કલ પાસે બાઈકમાં આવેલ અજાણ્યાં શખ્સે વેપારીને આંતરી 20 હજાર બળજબરીથી પડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી જતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
રાજકોટના જીવરાજ પાર્ક કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતાં ભાર્ગવભાઈ હસમુખભાઈ ચાંગેલા ઉ.42એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેને એમબીએનો અભ્યાસ મેલબોર્ન ઓસ્ટ્રેલીયા ખાતે કરેલ છે અને તે યુનિવર્સિટી રોડ પર ગ્રોકોન એકસપોર્ટ નામની પેઢી ધરાવી વેપાર કરે છે ગઈ તા. 27ના પત્નીનુ સ્કુટી જે ભકતીનગર ખાતે સર્વિસ માટે આપેલ હોય જેથી ત્યાં ગયા હતાં અને ત્યાંથી કાર લઈને ઘરે જવા નીકળ્યા હતા ત્યારે નાના મવા સર્કલ પાસે પહોંચતા ડ્રાઇવર સીટની ડાબી બાજુ દરવાજા પાસે એક ટૂ વ્હિલર ચાલક તેને પહેરેલ કડાથી મુકા મારવા લાગેલ અને તેના હાથના ઇશારા વડે ગાડી રોકવાનુ જણાવેલ હતું જેથી તેણે નાના મવા રોડ પર શિવ ટ્રેડર્સ પાસે ગાડી ઉભી રાખી હતી ત્યારે તે શખ્સ ગાળો આપવા લાગેલ અને કહેલ કે, તમે મારા બાઇકમાં એકસીડેન્ટ કરેલ છે, જેથી તેને કહેલ કે, તમારા બાઈકમાં ક્યાં નુકશાન થયેલ છે અને જો એકસીડેન્ટ થયેલ હોય તો મારી કારમાં પણ નુકશાન થયુ હોય ને તેમ કહેતાં તે શખ્સે કહેલ કે, આ નાના મવા રોડ મારા બાપનો છે આ રોડ પર મારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે અને મારા એકટીવામાં ભલે કોઇ નુકશાન થયુ નથી તારે મારી સાથે પૈસાનો વહિવટ કરવો જ પડશે તેમ કહીં ઊંચા અવાજે રાડો પાડી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો.
ફરીયાદીએ તે શખ્સને કહેલ કે, મારાથી જાણતા અજાણતા કોઇ ભુલ થઇ ગયેલ હોય તો માફ કરી દો હું નિર્દોષ છું અને મને જવાદો. તો તે શખ્સે કહેલ કે, તારા ગુગલ પેમાં કેટલી રકમ છે ? તે પહેલા તુ મને બતાવ અને તેના 10 ટકા પૈસા મને આપી દે એટલે જવા દઇશ તો કહેતાં તેને કહેલ કે, ભાઈ ગૂગલ પે ની રકમનુ શું કામ છે તમો 5000-10000 રૂપીયા લઇ મને જવાદો તો ભાઇએ કહેલ કે 5000-10000માં નહિ પતે 20 હજાર આપી દો, જેથી ફરીયાદી ભયભીત થઈ ગાડીમાં રાખેલ 20 હજાર તેને આપી દીધા હતાં ફરીયાદીએ રૂપિયા આપી દિધા બાદ આરોપીએ કહેલ કે, તારી પાસે કેટલી પ્રોપટી છે ? કેટલા વિઘા તારી પાસે જમીન છે ? વર્ષની આવક કેટલી છે ? અને તારી પાસે તો મોટી ગાડી છે ? તારો બીઝનેશ મોટો લાગે છે અને તારા મોબાઇલ નંબર મને આપ જેથી તેને મોબાઇલ નંબર આપેલા અને કહેલ કે, હવે આ મેટર અહિં પુરી કરો, તો તે શખ્સે કહેલ કે, હું તને ગમે ત્યારે ફોન કરું તો મારી ઓફીસે હાજર થવુ પડશે, જેથી ફરીયાદીએ ભયના કારણે હા પાડેલ હતી. ત્યારબાદ આરોપી ત્યાથી જતો રહેલ હતો બાદમાં ઘરે જઈ પરીવારને વાત કરી હતી બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પીઆઇ દેસાઇ સાહિતે ગુનો નોંધી લૂંટ ચલાવી નાસી છૂટેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.