મેઘતાંડવને કારણે બનાસકાંઠાનો એક સ્ટેટ હાઇ- વે બંધ થતાં વાહનવ્યવહારને અસર
ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે (23મી જૂન) હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલી સહીતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત અમરેલી-બગસરા વચ્ચે આવેલા બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવ્યું છે. અમરેલી જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ અનેક વિસ્તારોમાં વાવાણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીની કામગીરી આદરી છે.
- Advertisement -
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડબ્રહ્મામાં 11 ઇંચ અને દાતામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે સાબરકાંઠાના આંતરિક 3 રસ્તા અને બનાસકાંઠાનો એક સ્ટેટ હાઇ- વે બંધ રહેતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. મેઘતાંડવને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઇ છે.
જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો સર્જાયા હતા. મેઘરાજાએ સુરતને પણ ઘમરોળ્યું છે.. સુરતમા ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા.. રસ્તાઓ પર પાણીભરાવવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઇ હતી.
તાપીના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં પાણીની સારી આવક થઇ છે. રાજ્યના લગભગ 9 જેટલા ડેમ 100 ટકા ભરાઇ ગયા છે..
- Advertisement -
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (23મી જૂન) અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ, જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં આજે જોરદાર વરસાદ વરસી શકે છે.
24મી જૂનની આગાહી
24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
25 જૂનની આગાહી
25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે.