વિજયભાઈ કોર્પોરેશન જીત્યા ત્યારથી હું ભાજપમાં જોડાયો: મને એટેક આવ્યોને ડોક્ટરે કહ્યું કે, 2 લાખનો ખર્ચો થશે ત્યારે વિજયભાઈએ કહ્યું કે, મને બીલ મોકલી આપજો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભાજપ અગ્રણી દિનેશ કારીયાએ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણોને વાગોળતા કહ્યું કે, વિજયભાઈ રૂપાણીને મારા પપ્પા સાથે જુનો સંબંધ હતો. અમે કોટક શેરી નં-4માં રહેતા હતા અને વિજયભાઈ કોટક શેરી નં 7ના ખુણે રહેતાં હતાં. દરરોજ સવારે સંઘની લાખાજીરાજ શાખાએ જતા. મારી ઉંમર ત્યારે 14 વર્ષ હતી. દરરોજ સવારે મને શાખાએ લઇ જતા હતા. મારી રૂમ નાની હતી અને મમ્મી પપ્પા અને ચાર ભાઈ બહેન એમ અમે 6 લોકો હતા તેથી હું બહાર રેકડીમાં ગાદલું નાખી સુતો. વિજયભાઈ દરરોજ સવારે મારી ચાદર ખેંચે અને ચાલ શાખાએ એમ કહી રોજ હું એમની સાથે શાખામાં જતો હતો. વિજયભાઈ જ્યારે મહાનગરપાલિકાની ચુંટણી લડ્યા ત્યારે હું ભાજપમાં જોડાયો. ત્યારથી લઇને આજ સુધી વિજયભાઈએ મારૂં માર્ગદર્શન પુરૂ પાડ્યું છે. 14 જુલાઈ 2007 મને યાદ છે જ્યારે વડીલ મુરબ્બી કીરીટભાઇ ગણાત્રા જન્મ દિવસ હતો હું ભાઇને મળીને રાત્રે 7-30 ઘરે જતો હતો ત્યારે રસ્તામાં જ છાતીમાં દુખાવો શરૂ થયો ઘરે પોચી ને હું વૈશાલી ગોંધીયા હોસ્પિટલ પહોંચ્યા અને તુરત જ આઇ. સી. યુમાં લઇ ગયા. ત્યારે મને એન્જિયોપ્લાસ્ટી કરવાનુ કહ્યું અને ડોક્ટરે કહ્યું કે, 2 લાખનો ખર્ચો છે. હ્રદયમાં સ્ટેન્ટ બેસાડવું પડશે. ત્યારે વિજયભાઈએ કહ્યું કે, સારો સ્ટેન્ટ નાખી દો બીલની ચિંતા ન કરતા. બીલ મને મોકલી આપજો.



