જૂનાગઢ પોલીસનું વ્યાજખોરો સામે અભિયાન તેજ
વ્યાજના વિષચક્રમાં ફસાયેલાં લોકોને સાંભળી કાર્યવાહી કરવા આદેશ
- Advertisement -
વ્યાજે લીધેલાં રૂપિયાના પુરાવા હશે તો કાર્યવાહી સરળ બનશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
સમગ્ર રાજ્યમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલ લોકોને ન્યાય મળે અને વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાવમાં આવ્યો હતો જેમાં 150 જેટલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોને સાંભળી પોલીસ દ્વારા ગેરકાયદે નાણા ધીરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા અને આ લોક દરબાર સિવાયના 365 દિવસ ફરિયાદ લેવામાં આવશે તેમ રેન્જ આઇજી દ્વારા ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરોને ડામવા માટે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાની ઉપસ્થિતિમાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 જેટલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 25 જેટલા અરજદારોને સાંભળીને કાયદેસર કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવેલ હતા.આમ જિલ્લામાં વ્યાજખોર સામે પોલીસે અભિયાન તેજ કર્યું છે. અને ગેરકાયદે રીતે ઊંચા વ્યાજે નાણા ધીરનાર સામે પોલીસે લાલ આંખ કરીને સામાન્ય લોકોની વહારે આવ્યા છે. અને કોઈનો પણ ડર રાખ્યા વગર લોકોએ સામે આવીને ફરિયાદ કરવા અપીલ પણ કરવામાં આવી હતી જો પુરાવા મજબૂત હશે તો કાર્યવાહી કરવામાં સરળતા રહશે તેમ અરજદારોને કહ્યું હતું.
આ લોક દરબારમાં ઉપસ્થિત રહેલ અરજદારોને પોલીસે એ પણ અપીલ કરી હતી કે, આજે ઊંચા વ્યાજે રૂપિયા લેવા કરતા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેક યોજના ચાલે છે તેમાં સરળતાથી નજીવા દરે લોન મળે છે. તેની સાથે ક્રેડિટ સોસાયટી સહીત અનેક રાષ્ટ્રીય કૃત બેન્ક પણ ઓછા વ્યાજે લોન આપે છે. આવી બેંકો પાસેથી લોન લેવાથી ઊંચા વ્યાજ માંથી મુક્તિ મળશે ત્યારે આ લોકલોક દરબારમાં વ્યાજખોર વિરુદ્ધ અવાજ ઉઠાવી લોકોને જાગૃત કરાયા હતા અને જે અરજદારોએ રજૂઆત કરી હતી તેને સાંભળીને વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ કરાયા હતા. વ્યાજખોર વિરુદ્ધ ચાલતી ઝુંબેશના ભાગરૂપે યોજાયેલ લોક દરબારમાં 150 જેટલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં અરજદારો દ્વારા વ્યાજખોરો વિરુદ્ધની રજૂઆત થઇ હતી વ્યાજખોરોના ત્રાસ અને પઠાણી ઉઘરાણી અંગે પણ રજૂઆત કરાઈ હતી. જે બાબતે પોલીસે પણ લોકોને ઠોસ પુરાવા સાથે ફરિયાદ થશે તો કડક કાર્યવાહી કરવામાં સરળતા પડશે તેવી પણ સમજણ આપી હતી બીજા એવા પણ પ્રશ્નો ઉભા થયા હતા જેમાં જમીન પચાવી પાડવી તેમજ દસ્તાવેજોનું લખાણ કરી જમીન કબ્જે કરી લેવાના અરજદારો દ્વારા રજૂઆત થઇ હતી.જોકે પોલીસે અરજદારોને નિર્ભય બનીને આગળ આવીને ફરિયાદ કરવા અનુરોધ કરાયો હતો. આ લોક દરબારમાં રેન્જ આઇજી નિલેશ જાંજડીયા, ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, ઠક્કર સહીતના અધિકરીઓ ઉપસ્થિત રહીને વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી કડક હાથે થશે તેવા આદેશ કરવામાં આવતા જૂનાગઢ જિલ્લાના વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.