શૉ-મેનની આઇકોનિક ફિલ્મો માત્ર 100 રૂપિયામાં માણી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
રાજ કપૂરનાં ચાહકો માટે તેમની 100મી જન્મજયંતિ પર મોટી ભેટ આપવામાં આવી છે. આરકે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, એનએફડીસી, એનએફએઆઈ અને સિનેમા સંયુક્ત રીતે ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યાં છે. તેનું શીર્ષક છે ’રાજ કપૂર 100 – સેલિબ્રેટિંગ ધ સેન્ટેનરી ઓફ ધ ગ્રેટેસ્ટ શોમેન’. આ ત્રણ દિવસીય ઉત્સવ 13 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 ડિસેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત રાજ કપૂરની 10 ફિલ્મો 40 શહેરો અને 135 થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. આટલું જ નહીં, ખાસ વાત એ છે કે ફેસ્ટિવલમાં બતાવવામાં આવતી ફિલ્મોની ટિકિટની કિંમત માત્ર 100 રૂપિયા હશે.
રાજ કપૂરની ફિલ્મોમાં આગ, બરસાત, આવારા, શ્રી 420, જગતે રહો, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ, સંગમ, મેરા નામ જોકર, બોબી અને રામ તેરી ગંગા મૈલી જેવી ફિલ્મો આ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. ભારતીય સિનેમાનાં પ્રથમ શોમેન તરીકે જાણીતાં રાજ કપૂર એવાં વ્યક્તિ હતાં જેમણે ક્યારેય બિઝનેસને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવી ન હતી. તેમને સિનેમા પ્રત્યે અનોખો લગાવ હતો. દર્શકો તેમની ફિલ્મો સાથે એ જ જોશથી જોડાતાં હતાં જે જોશથી તેઓ ફિલ્મો બનાવતાં હતાં. રાજ કપૂરે તેમની 50 વર્ષની કારકિર્દીમાં કેમેરાની સામે અને પાછળ ઘણાં મહાન કાર્યો કર્યા છે. જેનાં માટે તેમને 3 રાષ્ટ્રીય પુરસ્કારો, 11 ફિલ્મફેર ટ્રોફી, પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યાં હતાં. આ વર્ષની શરૂઆતમાં, ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ફેસ્ટિવલ ડેસ 3 કોન્ટિનેન્ટ્સ અને તાજેતરમાં જ ગોવામાં પૂરા થયેલાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયાએ સ્ક્રીનિંગ અને ચર્ચાઓ સાથે રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી હતી.