ખેડૂતોના ઊભા પાકને નુકસાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
પાટડી તાલુકાના ધામા ગામે કેનાલ ઓવરફ્લો થતાં અંદાજે 200 વીઘાના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતોએ મશીનો મૂકીને ખેતરોમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા, ખેડૂતો ચણાના વાવેતરની તૈયારી કરી રહી હતી, ત્યાં જ ખેડૂતો પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો અને ખેડૂતો માટે આશીર્વાદ સમી નર્મદા કેનાલ ધામાના ખેડૂતો માટે આફતરૂપ બનવા પામી છે. ગુજરાતભરમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને એમાંય પાટડી તાલુકાને થયો હોવાની વચ્ચે દસાડા તાલુકાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદા કેનાલના પાણી પહોંચ્યા હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો માટે આશીર્વાદ સમી નર્મદા કેનાલ ધામાના ખેડૂતો માટે આફતરૂપ બનવા પામી છે.
- Advertisement -
પાટડી તાલુકાના ધામા ગામમાંથી પસાર થતી વચ્છરાજપુરા બ્રાન્ચ કેનાલ ઓવર ફ્લો થતાં કેનાલ આજુબાજુના નવીન નરસંગભાઈ રાઠોડ, મુકેશ વીરાભાઇ સોલંકી, રમેશભાઈ બચુભાઈ વાણંદ, ગોપાલ ડોસાભાઈ પંચાલ, અજીતભાઈ નાથાભાઈ પાનવેચા અને રતીલાલ બોઘાભાઈ વાણંદના ખેતરો સહીત અંદાજે 200 વીઘાના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ બની ગયા હતા.
હાલમાં ધામાના અસરગ્રસ્ત ખેડૂતોએ મશીનો મૂકીને ખેતરોમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા હતા. જયારે ખેડૂતો ચણાના વાવેતરની તૈયારી કરી રહી હતી, ત્યાં જ ખેડૂતો પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના મેવાડાને જાણ કરવા છતાં હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર દ્વારા જંગલ કટીંગ કર્યા બાદ બીજુ કોઈ જ કામ કર્યું નથી. કુવા કે કેનાલ સાફ કરી નથી, જો એ સાફ કર્યા હોત તો પાણી સરળતાથી આગળ વહી જાત અને કેનાલ ઉપરની સાઈડ કરી હોત તો પણ આવી દશા ના થાત. જયારે આ અંગે નર્મદા વિભાગના અધિક ઈજનેર અર્ચિત મેવાડાએ જણાવ્યું કે, કેનાલના પાઇપમાં કચરો આવી જતા કેનાલ ઓવરફ્લો થઇ હતી. હાલ પાણી બંધ કરી આવતી કાલે સવારે પાઇપ સાફ કરાવવાની સાથે જેસીબી મોકલી કાર્યવાહી કરી જ આ કેનાલમાં પાણી છોડવામા આવશે.