‘મામા-ભાણેજ’ નેરેટિવ સેટ કરીને આખી વાતમાં અર્થનું અનર્થ કરાયું
સત્તા માટે સંઘના સિદ્ધાંતો ભૂલીને કોઈ કામ કરે તો એમાં કોઈ સગપણ ક્યાંથી વચ્ચે આવ્યું?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીને કેટલાક લોકો દ્વારા મામા-ભાણેજની ચૂંટણી તરીકે જાહેર કરી દેવામાં આવી છે. જોકે હવે નાગરિક બેંકની ચૂંટણીમાં મામા (જ્યોતિન્દ્ર મહેતા) અને ભાણેજ (કલ્પક મણીઆર) વિના થશે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આમ છતાં નાગરિક બેંકની ચૂંટણીને હજુ પણ કેટલાક લોકો મામા-ભાણેજની ચૂંટણી તરીકે વગોવી વિખવાદ કરવા મેદાનમાં છે. હકીકતમાં નાગરિક બેંકની ચૂંટણી કોઈ પરિવાર કે પારિવારિક વ્યક્તિઓ વચ્ચેની ચૂંટણી છે જ નહીં પરંતુ કેટલાક લોકો દ્વારા મામા-ભાણેજ નેરેટિવ સેટ કરીને નાગરિક બેંકની ચૂંટણીની આખી વાતમાં અર્થનું અનર્થ કરાયું છે. નાગરિક બેંકની ચૂંટણી જાણે મણીઆર-મેહતા પરિવારના વર્ચસ્વનું યુદ્ધ હોય તેવો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે!
ઊંડાણપૂર્વક સમજવા જઈએ તો નાગરિક બેંકની ચૂંટણી પારિવારીક મામા-ભાણેજ કે તેમના પરિવારની લડાઈ નહીં પરંતુ તંદુરસ્ત વિચારધારાની કુસ્તી છે. બેંકમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપ-પ્રત્યારોપ પાછળ પણ સંઘના સંસ્કાર અને સ્વયંસેવકોની મહેનત પર ઉભી કરેલી નાના માણસોની મોટી બેંક ક્યાંક કંગાળ ન બની જાય તેની ચિંતા છે. અને એ ચિંતાનો લાભ જ કેટલાક હિતશત્રુઓએ બરાબર ઉઠાવ્યો છે. જો આ ચૂંટણીમાં ક્યાંય પણ સત્તાની લાલચ કે અન્ય કોઈ લાલસા હોતી તો મામા-ભાણેજના લાગતાવળગતાઓ પણ ચૂંટણીમાં ઝંપલાવતા પરંતુ ના.. અહીં સંઘ પરિવારના સંસ્કારના સ્પષ્ટ દર્શન થાય છે.
નાગરિક બેંકની ચૂંટણી દરમિયાન કલ્પક મણીઆર સિવાય તમામ મણીઆર કુટુંબ પણ સંઘની શિસ્તને અનુસર્યું છે. અપૂર્વભાઈ પ્રવીણકાકા મણીઆર, દિપાલીબેન અપૂર્વભાઈ મણીઆર, મહેશભાઈ મણીઆર વગેરે નામની યાદી લાંબી છે. અપૂર્વ મણીઆર હાલ નાગરિક બેંકના ડિરેક્ટર હોવા છતાં આ ચૂંટણીથી તો દૂર રહ્યા જ સાથોસાથ સંસ્કાર પેનલના એકપણ ફોર્મના પ્રસ્તાવ કે ટેકામાં સહી ના કરી એક આદર્શ સ્વયંસેવકત્વ દર્શાવ્યું છે. આ સિવાય ઘરનો મામલો ઘરમાં જ રહે અને બધું જ શાંતિપૂર્ણ પતી જાય તે માટેના પ્રયાસો પણ અનેક થયા પરંતુ કેટલાક લોકોએ નાગરિક બેંકની ચૂંટણીના નામે પ્રતિષ્ઠિત પરિવાર અને સંઘ પર ભરપૂર કાદવ ઉછાળ્યું જે રાજકારણના જાણકારો બરાબર સમજી ચૂક્યા છે. નાગરિક બેંકમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદમાં અગત્યનો સવાલ એ છે કે, સત્તા માટે સંઘના સિદ્ધાંતો ભૂલીને કોઈ કામ કરે તો એમાં કોઈ સગપણ ક્યાંથી વચ્ચે આવ્યું? પણ ના, અહીં તો નાગરિક બેંકની ચૂંટણીના નામે સગપણને શસ્ત્ર બનાવી મામા-ભાણેજને એકબીજા સાથે ભેળવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. કલ્પક મણીઆર અને તેમના સમર્થક સાચા કે પછી જ્યોતિન્દ્ર મેહતા અને તેમના ટેકેદારો ખરા એ તપાસનો વિષય નથી પરંતુ ખરી તપાસનો વિષય એ છે કે, જ્યોતિન્દ્ર મામા સામે વિચારધારાની લડાઈમાં ભાણેજ કલ્પકને ઉતાર્યો કોણે? એવું તો શું થયું કે કલ્પક મણીઆર પોતાનાઓની વિરુદ્ધમાં વિચારધારાની લડાઈ લડવા માંડ્યા? નાગરિક બેંકના લાખો સભાસદો, સંઘના સ્વયંસેવકો અને કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, શું કલ્પક મણીઆર કોઈનો હાથો બની રહી ગયા? આખરે કોણ રાજકારણ રમીને નાગરિક બેંકની ચૂંટણીના નામે વિવાદ સર્જી સહકારી ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવવા ઈચ્છે છે?