કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
ફટાકડા, કારના ટર્બો ચાર્જર અને જેટ પ્લેનના એન્જિન વચ્ચે એક સામ્યતા છે, આ ત્રણેય દહન માટે પુષ્કળ ઑક્સિજન ખેંચે છે
- Advertisement -
જોકે દિવાળી સાથે ફટાકડાને ખાસ લેવાદેવા નથી પણ આપણે ત્યાં એક પ્રથા શરૂ થાય પછી ધીમે ધીમે એ એટલી આરૂઢ થઈ જાય છે કે મૂળ માહાત્મ્ય ભુલાઈ જાય છે અને આવી પ્રથાઓ પડી રહે છે જેમ જીવ જતો રહે અને નિર્જીવ શરીર પડ્યું રહે એમ. ખેર, ફટાકડા માત્ર હાનિકારક ધુમાડો અને ઝેરી પાર્ટિકલ (કણો) પેદા કરે એવું નથી તે હવાનો પુષ્કળ ઓકિસજન પણ ‘ખાઈ’ જાય છે. જેમ જેટ પ્લેન ને ઉડવા માટે કે કારને એકદમ તાકાતથી ચાલવા માટે પુષ્કળ ઓકસીજન જોઈએ એમ ફટાકડાને પણ ધડાકા ભેર ફૂટવા માટે પુષ્કળ ઓકસીજન જોઈએ. આ ઓકસીજન એને હવામાંથી પૂરતો નથી મળતો. પ્રચંડ ધડાકો કરવા માટે પુષ્કળ ઓકસીજન પેદા કરતું રસાયણ ફટાકડામાં ઉમેરવું પડે છે જેને ઓક્સીડાઈઝર કહેવાય છે. ઓક્સિડાઈઝર તરીકે ફટાકડામાં હમેશા પોટેશિયમ નાઇટ્રેટ (ઊંગઘ3) નો ઉપયોગ થતો આવ્યો છે. પોટેશિયમ નાઇટ્રેટ એક અતિ જાણીતું રસાયણ છે જે વિશ્વના ટોપ 10 ઉપયોગી રસાયણમાં આવે છે.
પરંતુ આ પોટેશિયમ નાઇટ્રેટે વિશ્વનો ઇતિહાસ બદલી નાખેલો છે એની વાત આજે કરવી છે. ફટાકડા એ બોમ્બ જેવા જીવલેણ શસ્ત્રનું નાનું સ્વરુપ છે. રૂડયાર્ડ કિપ્લિંગે જંગલ બૂક નામની વાર્તા લખેલી એમાં માણસ ના રક્ત ફૂલ (એટલે કે અગ્નિ) નામના શસ્ત્ર થી હિંસકમાં હિંસક પ્રાણીઓ પણ ભયભીત થઈ જાય છે એવી વાત આવે છે.પણ આગ સાથે જો પ્રચંડતા ભળે તો એ વધુ ઘાતક બને. ભારતીયો ફટાકડા પ્રાચીન સમયથી ફોડે છે એના ખાસ પુરાવા નથી પણ ભારતીયો પ્રેકટિકલ હતા. એમણે ફટાકડાનો પ્રેકટીકલ ઉપયોગ શોધી કાઢેલો. ભારતીયો બારૂદ એટલે કે દારૂગોળા અથવા ગન પાઉડર બનાવવાની પ્રક્રિયા થી પ્રાચીન સમય થી વાકેફ હતા. આમ તો ગન પાઉડરની બનાવટનો શ્રેય ચાઈનીઝોને અપાય છે પરંતુ આ ચાઇનીઝ દાવાનું ખંડન એક જર્મન વંશી સંસ્કૃત પ્રોફેસરે કર્યું હતું. ગુસ્તાવ ઓપર્ટ નામના એક જર્મન પ્રોફેસર હતા જે મદ્રાસ પ્રેસિડેનસી કોલેજમાં સંસ્કૃત ભણાવતા હતા. એમણે પ્રાચીન ભારતીય યુદ્ધ કળાઓ ઉપર 1880મા શોધ નિબંધ લખ્યો ને દર્શાવ્યું કે હિંદુઓ (ભારતીયો) પ્રાચીન કાળથી ગન પાઉડર અર્થાત્ બારૂદ બનાવી જાણે છે. ગુસ્તાવે આ વાતને સાબિત કરતા અનેક પુરાવા પણ રજૂ કરેલા છે. (સર્ચ : On the weapons, army organisation and political maxims of ancient hindoos with special reference to gun powder to firearms, Oppert G 1880) ગુસ્તાવે શુક્રનીતિ સાર નામના અસુર ગુરુ શુક્રાચાર્ય દ્વારા લિખિત ગ્રંથમાંથી ગન પાઉડર(બારુદ/દારૂગોળો) બનાવવાની વિધિ ને પુરાવા તરીકે રજૂ કરી. આ વિધિમાં પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે સુરોખાર એક અતિ અગત્યનું ઘટક છે. ગુસ્તાવે શુક્ર નીતિ સાર નામના અસુર ગુરુ શુક્રાચાર્ય દ્વારા લિખિત ગ્રંથમાંથી ગન પાઉડર(બારુદ/દારૂગોળો) બનાવવાની વિધિ ને પુરાવા તરીકે રજૂ કરી. આ વિધિમાં પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે સુરોખાર એક અતિ અગત્યનું ઘટક છે. ઇસ 1605મા સ્પેનના રાજાએ ભારતથી પોટેશિયમ નાઇટ્રેટ મંગાવ્યું હતું એના ઐતિહાસિક પુરાવા છે. ભારતમાં પોટેશિયમ નાઇટ્રેટ ને સુરોખાર /શોરક /શુરા /શોરા/ સુવર્ચલ લવણ જેવા અનેક નામથી ઓળખાય છે.
આ શોરા શબ્દ છેક ફારસીમાં જઈને છેવટે સોડા શબ્દને જનમ આપે છે. ફ્રાન્સના રાજા લૂઈ 16માં એ પણ 1680મા ભારતથી હાઈ કવાલિતી સુરોખાર મંગાવેલો. યુરોપિયનો ને ત્યાં સુરોખાર (પોટેશિયમ નાઇટ્રેટ) બનતો જ નહોતો કેમકે એમને તે બનાવતા આવડતું નહોતું. આ કામ લુણીયા તરીકે ઓળખાતા લોકો ભારતમાં કરતા. સુરોખાર એક પ્રકારનું લવણ એટલે કે ક્ષાર જ છે. ભારતમાં બિહાર નું સુરોખાર શ્રેષ્ઠ ગુણવત્તાનું સુરોખાર કહેવાતું હતું. આથી જ્યારે ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ ભારતમાં ધામાં નાખ્યા ત્યારે એની સહુથી મોટી નિર્યાત અફીણ કે ગળી કે કાપડ નહિ પણ સોલ્ટ પેટર અર્થાત્ સુરોખાર હતી. તેઓ અહીથી હજારો ટન ના હિસાબે સુરોખાર લઈ જતા અને એનો ગન પાઉડર બનાવીને પોતાની સૈન્ય શક્તિ વધારતા હતા. એથી એક સમય એવો આવ્યો કે ભારતમાં બેસ્ટ તોપચીઓ ફ્રેન્ચ અને અંગ્રેજ મૂળના હતા. ઇસ 1839મા જોહન ક્લાર્ક નામનો એક આસિસ્ટન્ટ સર્જન મદ્રાસ અંગ્રેજી આર્મીમાં ફરજ બજાવતો હતો તે નોંધે છે કે “કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા છે જે આપણને સમજાતી નથી પણ એના વડે (ભારતીયો) સુરોખાર બનાવે છે”. સુરોખાર બનાવવા માટેની કાચી સામગ્રી બહુ નવાઈ પમાડે એવી હતી. એ હતી સડેલ વનસ્પતિ અને પ્રાણીઓ ના અવશેષ !! ભારતીયો આ સડવા માંડેલ ચીજોમાંથી એકદમ સફેદ ક્રિસ્ટલ જેવો સુરોખાર પેદા કરતા હતા જેની એક વિશિષ્ટ પણ એકદમ દેશી પ્રક્રિયા હતી. ઇસ 1912મા નેચર મેગેઝિન માં પ્રકાશિત થયેલ એક શોધપત્ર નોંધે છે કે ભારતીયો વિશ્વનું સહુથી વધુ પોટેશિયમ નાઇટ્રેટ (સુરોખાર) સપ્લાય કરે છે. હવે પ્રશ્ન એમ થવો જોઈએ કે કેમ સુરોખાર તરફ યુરોપિયનો ને આટલો પ્રેમ હતો? કેમ તે લોકો ભારતથી મોં માંગ્યા ભાવે સુરોખાર ખરીદીને પોતાની નાવોમાં ભરીને યુરોપ પહોચાડતા હતા? અંગ્રેજો અને બીજી યુરોપિયન પ્રજાઓના આ સુરોખાર પ્રેમ નું કારણ હતું : ગન પાઉડર એટલે કે બારૂદ બનાવવા માટે અનિવાર્ય જરુરીયાત. યુરોપિયનો એ અમેરિકા શોધી લીધું હતું. ત્યાં શાસન માટે સતત યુદ્ધો અને સંઘર્ષો થતા હતા. વળી એમને યુરોપમાં અંદર અંદર પણ છમકલાં ચાલુ રહેતા. આથી સખત માત્રામાં બારૂદ (ગન પાઉડર) ની જરૂર પડતી. આ ગન પાઉડર બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટ અથવા સુરોખાર અનિવાર્ય હતો.
- Advertisement -
અમેરિકાની સિવિલ વોર્સ (ગૃહ યુદ્ધ) , યુરોપના ઇંગ્લેન્ડ ફ્રાન્સ વચ્ચેના સતત હાલતા વિગ્રહ અને બીજા અનેક લોહિયાળ યુદ્ધોમાં જે તોપ અને બંદૂકો ગરજી તે બધીમાં ભારતીય પોટેશિયમ નાઇટ્રેટ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે તો વિશાળ માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ ની જરૂર પડી હતી. પરંતુ બડભાગી (કે બદનસીબ??) યુરોપિયનો ને એ યુદ્ધો થતા પહેલા દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં પક્ષીઓ એ દરિયા કિનારે કરેલી હગાર (ચરક) ના વિશાળ ડુંગરા મળી આવ્યા જેમાં પોટેશિયમ નાઇટ્રેટ (સુરોખાર) મોટી માત્રામાં ઉપલબ્ધ હતો..યુરોપિયનો એ ચાઇનીઝ ગુલામોને ત્યાં મોકલીને એ પહાડો ખોદવાનું કામ શરૂ કર્યું. અને આં વિશાળ પોટેશિયમ નાઇટ્રેટ ના જથ્થાથી જે વિશાળ પાયે ગન પાઉડર બન્યો એને પરિણામે પહેલું અને બીજું વિશ્વયુદ્ધ થયા જેમાં લાખો માણસો મૃત્યુ પામ્યા. જો સુરોખાર ના હોત તો અંગ્રેજો ભારતમાં ના આવ્યા હોત, ભારત કદી ગુલામ બન્યું ના હોત, કદાચ હજી અમેરિકા યુરોપના તાબામાં હોત , એકેય વિશ્વયુદ્ધ થયું ના હોત , ફ્રેન્ચ અને અંગ્રેજ લડ્યા ના હોત, અનેક બોમ્બ ધડાકા અને અનેક નિર્દોષ પ્રાણીઓ અને મનુષ્યોની કતલ પણ ના થઈ હોત. એકેય બોમ્બ, એકેય ગન ના બન્યા હોત, અમેરિકામાં ગન કલ્ચર આવ્યું ના હોત,રાસાયણિક ખાતરની કથિત ક્રાંતિ પણ ના આવી હોત. એકદમ ઉચ્ચ ગુણવતા નું ખાતર , શીતક (પાણી ઠંડું કરવા કે બરફ બનાવવા વપરાતો પદાર્થ) , ફૂડ પ્રિઝરવેટીવ અને એક જોરદાર આયુર્વેદિક ઔષધિ એવું સુરોખાર મનુષ્યો માટે “રક્ત-ફૂલ” નીવડ્યું. . જેણે અનેક નિર્દોષ લોકો અને પ્રાણીઓના રક્ત વહાવ્યા. એક ઉત્તમ શોધ જ્યારે અધમ લોકોના હાથમાં જાય ત્યારે શું થાય તે જોવા જેવું છે. દિવાળી આવે ત્યારે જોજો કે તમે સુરોખાર નો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છો કે નહિ.. ધડાકા અને ધુમાડા યુદ્ધ સમયે કરવાના હોય છે, (પણ હવે જગત એકેય યુદ્ધ ખમી શકે એમ નથી) આનંદ તો આત્મીયતાના ઉજાસથી વ્યક્ત થઈ શકે છે. શું કહો છો?