નિતાંતરીત: નીતા દવે
ધૂણી ધખાવી ત્યાં જ આખું આખું ઓગાળી દે છે,
બહુ અલગારી હોય છે, આ વફાદારી ની રીત પણ!
- Advertisement -
વફાદારી..! આજ કાલ બહુ મોંઘા મુલ્યનો થઈ ગયો છે આ શબ્દ.વિકાસશીલ સમયમાં લોકો સ્વકેન્દ્રી બનતા જાય છે. જીવનમાં રહેલા સંબંધોનો ઉપયોગ સફળતાની સીડી બનાવવા માટે કરાતો હોય ત્યાં લોકો તકવાદી બનતા જાય છે અને સંબંધો તકલાદી બનતા જાય છે. આવા સમયમાં વફાદારી નામનો ભારેખમ શબ્દ પોતાનો અર્થ ગુમાવતો જતો હોય એવું લાગે છે. આર્થિક ક્ષેત્ર હોય સામાજિક કે સંવેદનાત્મક નિજ સ્વાર્થ સામે સંબંધ વામણો બનતો જાય છે આવા સમયમાં સંબંધો પ્રત્યેની ઉષ્માને જાગૃત રાખવા લાગણીઓની માવજત માટે ખાતરનું કામ કરતો વફાદારીનો ગુણ કેળવાતો રહે એ ખૂબ જરૂરી છે.
વફાદારી દરેક સંબંધની પાયાની ઈંટ સમાન હોય છે. સંબંધનું નામ કોઈ પણ હોય.પરંતુ દરેક સંબંધ પોતાની અંગત વ્યક્તિની વફાદારી ઇચ્છતો હોય છે.વફાદારી શબ્દનો અર્થ ખૂબ વિસ્તૃત છે. વફાદારી એટલે પ્રમાણિકતા, ઈમાનદારી,ગુપ્તતા, અને સંબધ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠતાનો પર્યાય. જ્યારે તમારી પાસે ડિગ્રી નહોતી, કામનો અનુભવ ન હતો છતાં તમને યોગ્ય પગારવાળી નોકરી આપનાર વ્યક્તિ, દુનિયામાં સૌથી વધારે વિશ્ર્વાસ મૂકી એક અંગત વ્યક્તિએ કરેલી પોતાની તકલીફ ની વાત, નિખાલસ મન થી એક મિત્રએ સ્વીકારેલી પોતાની ભૂલ, એક પત્નીએ પતિને કહેલી ભૂતકાળની વેદના અને સંઘર્ષના સમયમાં એક પત્નીએ પતિને કરેલી મદદ! આ બધા જ વફાદારીના પર્યાય કહી શકાય. જ્યારે કોઈ વ્યક્તિ તમારી ઉપર વિશ્વાસ મૂકી અને પોતાની અંગત વાતો તમને કહે છે ત્યારે સાંભળનારની ફરજમાં એ વાતોની ગુપ્તતાને યથા યોગ્ય જાળવણી કરવી એ નૈતિક ફરજ બની જતી હોય છે.એવી જ રીતે જ્યારે સાવ કોઈ અંગત વ્યક્તિ એકદમ નિખાલ જ ભાવે પોતાની થયેલી ભૂલનો સ્વીકાર કરે છે ત્યારે એ ભૂલનો હથિયાર તરીકે ઉપયોગ ન કરતા તેની મનોવ્યાથાને દૂર કરી તેને સાથ આપવું તે પણ સંબંધોની ગરિમા અને વફાદારી જ કહી શકાય.જે વ્યક્તિએ નબળા સમયમાં સાથ આપ્યો હોય તે વ્યક્તિને આપણી સફળતાના સમયે ક્યારેય પણ ભૂલવી ન જોઈએ કારણ કે કોઈ વ્યક્તિ એકલી સફળ ક્યારે પણ થઈ શકતી નથી તેની સફળતાના મૂળમાં ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ લોકોનો સહકાર રહેલો હોય છે.
એવા ઘણા લોકો હોય છે જે તમારા માન મરતબા અને હોદ્દાની રુએ તમારી સાથે હોય અથવા તમને સહયોગી બનતા હોય. પરંતુ ખરા અર્થમાં મનથી એ તમારું અહિત ઈચ્છતા હોય. આવા લોકોથી ખાસ સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે લગભગ રૂપાળા પીછા ધરાવતો બગલો જ માછલીનો શિકાર કરતો હોય છે. કોઈની વાણી ઉપર વિશ્વાસ કરતા પહેલા તેની નિયતને ચકાસી લેવી ખૂબ જરૂરી હોય છે અને એની ચકાસણી તમારા ખરાબ સમયમાં અથવા તમારી ગેરહાજરી વખતે બાખૂબી થતી હોય છે. વ્યક્તિની અનઉપસ્થિતિમાં જે મંતવ્ય પ્રગટ થશે અથવા જે ભાવ જોવા મળશે તે જ સત્યબાકી બધું ઢાળાનાં ઢાળ જેવું..સમયે આવ્યે સાથ છોડી દે..!
આવી જ કેટલીક હકીકત સોશિયલ મીડિયા પર પણ જોવા મળતી હોય છે. બહુ જ ટૂંકા ગાળામાં સંબંધો બંધાય દેખાવ પૂરતી લાગણીઓ આરોપાઈ અને સ્વાર્થ સાધવા માટે પરસ્પર કાળજી રખાય..જાણે ક્યારેય ન છૂટી શકે તેઓ નાતો ન હોય..! પરંતુ જેવી સ્વાર્થ પૂર્તિ થાય એટલે સંબંધોનો પણ અંત આવી જાય અને લાગણીઓ તો કમોતે મૃત્યુ પામે. આવા સંબંધોનું આયુષ્ય બહુ ટૂંકા સમયગાળાનું હોય છે. આજીવન નિભાવી શકાય તેટલી કર્તવ્ય નિષ્ઠતા તકવાદી સંબંધોમાં ક્યારેય હોતી નથી. આથી દૂરની આભાસી દુનિયાનાં લોકોની વાહવાહી, લાઈક કે કોમેન્ટના કારણે અંગત સ્વજનોની અને લાગણીસભર સંબંધોની અવગણના ક્યારેય પણ ન કરવી જોઈએ.
વફાદારી માટે પરસ્પર બે વ્યક્તિનું સાથે હોવું જરૂરી હોતું નથી. સંબંધનું નામ ભલે કોઈ પણ હોય પણ ખરા અર્થમાં વફાદારીની સાચી કસોટી બંનેમાંથી એક વ્યક્તિની અનઉપસ્થિતિમાં થતી હોય છે. જલ્દી આવવાનો વાયદો કરીને વરસો સુધી ઘરે ન આવતાં દૂર દેશની સરહદ પર લડતા ફોજીની પત્નીની વફાદારી આપણે ચોક્કસ ફરી મળીશું આવું કહીને વિખુટા પડતા બે પ્રેમીજનની વફાદારી વ્યવસાયિક કારણોસર દૂર અંતરે રહેતા પતિ પત્નીના પ્રેમની વફાદારી..! કેટલીક લાગણીઓને સમયનું ચક્ર પણ બદલી શકતું નથી. વફાદારી વ્યક્તિની સામે જળવાય એ બહુ સ્વાભાવિક બાબત છે.
- Advertisement -
પરંતુ પ્રિય પાત્રની ગેરહાજરીમાં પણ ચાતકની જેમ ચોમાસાની રાહ જોઈ અને તરસીને આયખું પૂરું કરવું પડે તો પણ બીજા વિકલ્પની પસંદગી ન કરાય ત્યારે તે વફાદારી સાચી ગણી શકાય. ધાર્મિક શાસ્ત્રને અવગણવાનો પ્રયાસ નથી.પરંતુ રામને વનવાસ મળતાં પત્નીવ્રતા સીતાજી બની પતિ પાછળ ચાલી નીકળવું કદાચ હજુ પણ સહેલું છે. પરંતુ પોતાના પતિને કોઈ વનવાસ ન મળ્યો હોવા છતાં પતિએ પોતાની સ્વેચ્છાએ સ્વીકારેલા કર્તવ્ય માટે વનવાસ જવા દેવા.. તેમને રાજીપા સાથે વિદાય આપવી તેમનું મન સાચવવું અને પતિના વિયોગમાં ચૌદ વર્ષ વન વગરના વનવાસી થઈ અને વિતાવવું તે લક્ષ્મણજી ની પત્નિ ઉર્મિલા થવું ખરેખર ખૂબ અઘરું છે..!પરસ્પર લાગણીથી જોડાયેલી બે વ્યક્તિ જ્યારે બંનેને જીવન જીવવા માટે સ્વતંત્રતા આપે છે.આ પણ એક પ્રકારની વફાદારી જ કહેવાય કારણ કે કોઈ વ્યક્તિને પોતાના સ્વાર્થ માટે કે પોતાના આનંદ માટે પોતાની નજીક રાખવી અથવા બંધન માં રાખવી એ પણ લોહી કાઢ્યા વગરની વગરની હત્યા કરવા બરાબર છે.
વ્યક્તિને જીવવા માટે શું જોઈએ..? જીવન જરૂરિયાતની વસ્તુઓ સ્વાભાવિક રીતે ઉપલબ્ધ હોય ત્યારે વ્યક્તિ સંવેદનાત્મક રીતે એક એવો સંબંધ ઈચ્છતો હોય કે જ્યાં મુક્તતા હોય એ સંબંધ લોહીનો સંબંધ પણ હોઈ શકે અને લાગણીનો પણ અથવા માણસાઈનો પણ. પરંતુ આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે ભૌતિક સંપદા વધતી જાય છે. પરંતુ આંતરિક સંપત્તિ અને સ્નેહ નિરંતર ઘટતો જાય છે. દરેક વ્યક્તિ એક એવો સંગાથ ઈચ્છે છે જ્યાં તે સહજ સ્વાભાવિક અને સરળ થઈ અને જીવી શકે અને એવી જ વફાદારી ની અપેક્ષા સામા પક્ષના સ્વજન પાસેથી પણ રાખે છે.પરંતુ શક્ય છે કે દરેક સંબંધમાં એ અપેક્ષાઓ પૂર્ણ થતી નથી અને વ્યક્તિ આહત અનુભવતો હોય છે.આમ છતાં સંજોગોના વમળમાં ફસાયા હોય તો પણ જ્યારે સ્વજન કે તે અંગતની સુખની અને સલામતીની ઝંખના કરતો રહે તે એક વફાદારીની ઉચ્ચતમ કક્ષા કહી શકાય.