અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અમેરિકન સિટિઝન જોડે લગ્ન કર્યા હોય તો તેઓ તમારા લાભ માટે, તમારા ગ્રીનકાર્ડ માટે ‘ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી’ હેઠળ પિટિશન દાખલ કરી શકે છે
- Advertisement -
અમેરિકાના વિઝાના બે પ્રકારો છે. જે પરદેશીઓ સ્થળાંતર કરીને અમેરિકામાં કાયમ રહેવા ઈચ્છે છે એમના માટે ‘ઈમિગ્રન્ટ વિઝા’ ઘડવામાં આવ્યા છે. ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશતાં પરદેશીઓને પ્લાસ્ટિકના એક વિઝિટિંગ કાર્ડના કદનું કાર્ડ આપવામાં આવે છે. એનું ઓફિશિયલ નામ છે ‘એલિયન રજિસ્ટ્રેશન રિસિપ્ટ’, પણ એ જ્યારે સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યું હતું ત્યારે એનો રંગ લીલો હતો આથી સૌ એને ‘ગ્રીનકાર્ડ’ તરીકે ઓળખવા લાગ્યા અને ‘એલિયન રજિસ્ટ્રેશન રિસિપ્ટ’નું હુલામણું નામ ગ્રીનકાર્ડ પડી ગયું. પછી તો એ કાર્ડે અનેક વાર એના રંગો બદલ્યા. પણ એનું જે હુલામણું નામ ‘ગ્રીનકાર્ડ’ પડી ગયું હતું એ હજુ આજે પણ ચાલુ છે. ગ્રીનકાર્ડ મળેથી એક પરદેશી અમેરિકામાં કાયમ રહી શકે છે. છૂટથી અમેરિકાની બહાર આવ-જાવ કરી શકે છે. અમેરિકામાં ભણી શકે છે. નોકરી કરી શકે છે. બિઝનેસ કરી શકે છે. પ્રોપર્ટી લે-વેચ કરી શકે છે. એમ કહોને કે એક વ્યક્તિ સામાન્ય રીતે એના દેશમાં જે કાર્ય કરતી હોય એ સર્વે કાર્યો કરી શકે છે. ફક્ત ગ્રીનકાર્ડધારક અમેરિકાના ઈલેક્શનમાં વોટ આપી નથી શકતા અને કોઈ પણ પદ માટે ઉમેદવાર તરીકે ઊભા નથી રહી શકતા. ગ્રીનકાર્ડ મળેથી પાંચ વર્ષ બાદ અને જો ગ્રીનકાર્ડ લગ્નસંબંધના આધારે મેળવ્યું હોય તો ત્રણ વર્ષ બાદ અરજી કરીને નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન સિટિઝન બની શકાય છે, પણ એણે એ પાંચ વર્ષ યા ત્રણ વર્ષના સમય દરમિયાન અડધો સમય અમેરિકામાં જ રહ્યા હોવું જોઈએ. એમની ચાલચલગત સારી હોવી જોઈએ. એમની જે કંઈ પણ આવક હોય, અમેરિકાની કે વિશ્ર્વમાં કોઈ પણ દેશમાંની, એની ઉપર એમણે ટેક્સ અમેરિકામાં જ ભર્યો હોવો જોઈએ. તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવા ન જોઈએ. એમને અંગ્રેજી ભાષા આવડે છે, અમેરિકાનું સામાન્ય જ્ઞાન છે એ દર્શાવી આપવા માટે ઈંગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટ અને જનરલ નોલેજની ટેસ્ટ આપવાની રહે છે. તેઓએ એ પાંચ યા ત્રણ વર્ષના સમયગાળામાં એક વાર પણ લાગલગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહ્યા હોવું ન જોઈએ. ગ્રીનકાર્ડ અનેક રીતે પ્રાપ્ત કરી શકાય છે. જો તમે અમેરિકન સિટિઝન જોડે લગ્ન કર્યા હોય તો તેઓ તમારા લાભ માટે, તમારા ગ્રીનકાર્ડ માટે ‘ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી’ હેઠળ પિટિશન દાખલ કરી શકે છે. આવા પિટિશનો ક્વોટાના કોઈ પણ બંધનોથી સીમિત નથી હોતા. આથી એ જેવા પ્રોસેસ થઈને એપ્રૂવ થાય કે જે પરદેશીના લાભ માટે એ પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એ બેનિફિશિયરી પત્ની યા પતિ ઈમિગ્રન્ટ વિઝા મેળવી શકે છે અને પછી એ મેળવીને અમેરિકામાં પ્રવેશે એટલે એમને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. લગ્નના આધારે અપાતા ગ્રીનકાર્ડ સામાન્ય રીતે બે વર્ષની મુદતના કન્ડિશનલ હોય છે.
એકવીસ મહિના પછી પત્ની-પતિ બન્નેએ સંયુક્ત અરજી કરીને, દેખાડી આપીને કે એમના લગ્ન હયાત છે અને એમણે સમગ્ર જીવન સાથે ગાળવા માટે લગ્ન કર્યા હતા, નહીં કે ગ્રીનકાર્ડ મેળવવા માટે. એમના લગ્ન ગુડફેથમાં થયા છે એટલે એમનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે. અમુક સંજોગોમાં જો અમેરિકન સિટિઝન પતિ યા પત્ની કોઈ પણ કારણસર એ સંયુક્ત અરજીમાં જોડાવાની અનિચ્છા દર્શાવે તો લગ્ન ખરેખર સાથે જીવન ગાળવા માટે કર્યા છે એવું દેખાડી આપતાં એ પરદેશી પતિ યા પત્નીનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે. અમેરિકન સિટિઝનો, જેઓ પુખ્ત વયના હોય છે તેઓ એમનાં મા-બાપ માટે પણ ‘ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડ મેળવવાની અરજી કરી શકે છે. ચાર જુદી જુદી ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ પણ અમેરિકન સિટિઝનો યા ગ્રીનકાર્ડધારકો એમના પરદેશી પતિ-પત્ની, સંતાનો યા ભાઈ-બહેનો માટે ગ્રીનકાર્ડ મેળવવા માટેનું પિટિશન દાખલ કરી શકે છે. એક વર્ષમાં આ ચાર ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઓ હેઠળ કુલ્લે 2,26,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. આ 2,26,000 ઈમિગ્રન્ટ વિઝા વિશ્ર્વના બધા જ દેશો વચ્ચે સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે, જેથી ભારતના ભાગે એમાંથી ફક્ત સાત ટકા વિઝા આવે છે. ‘ફેમિલી ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ અમેરિકન સિટિઝન માતા યા પિતા એમનાં અવિવાહિત સંતાનો, ગમે તે ઉંમરનાં હોય, એમના માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે, જે 2,26,000 ઈમિગ્રન્ટ વિઝા ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ દર વર્ષે આપવામાં આવે છે એમાંથી 23,400 ઈમિગ્રન્ટ વિઝા આ કેટેગરી હેઠળ આપવામાં આવે છે અને એના સાત ટકા ભારતીયોને ફાળવવામાં આવે છે. ‘ફેમિલી સેક્ધડ પ્રેફરન્સ કેટેગરી’ના બે ભાગો છે. ‘ફેમિલી સેક્ધડ પ્રેફરન્સ (એ) કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડધારકો એમની પરદેશી પત્ની યા પતિ અને એકવીસ વર્ષની નીચેની વયના અવિવાહિત સંતાનો માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે ને ‘ફેમિલી સેક્ધડ પ્રેફરન્સ બી કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડધારકો એમના એકવીસ વર્ષથી વધુ વયના અવિવાહિત સંતાનો માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. આ બન્ને કેટેગરી મળીને એક વર્ષમાં 1,14,200 ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ‘ફેમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ એક વર્ષમાં 23,400 ગ્રીનકાર્ડ અમેરિકન સિટિઝનના વિવાહિત સંતાનો ગમે તે ઉંમરના હોય એમના માટે મળી શકે છે. અમેરિકન સિટિઝનો એમના પરદેશી ભાઈ યા બહેન, જેઓ એકવીસથી વધુ ઉંમરના હોય અને પરિણીત પણ હોય એમના માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. એક વર્ષમાં આ કેટેગરી હેઠળ કુલ્લે 65,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. વધુ માહિતી હવે પછીના લેખમાં.