નિતાંતરીત: નીતા દવે
આજના સમાજના સંબંધો તકલાદી અને લોકો તકવાદી બનતા જાય છે
- Advertisement -
ગ્રાહક :- લાગણીના શું ભાવ છે,.કેટલાની કિલો છે..?
દુકાનદાર :- ખલાસ છે…
ગ્રાહક:- શું..!તો નવો માલ ક્યારે આવશે ?
દુકાનદાર :- ખબર નહિ, આજ કાલ ઉપરથી જ પ્રોડકશન બંધ છે.
ગ્રાહક :- પણ..મારે તો,ખાસ જરૂર છે, કેટલાક કહેવાતા પોતીકા ને છેતરવા માટે વાપરવાની છે.
દુકાનદાર :- ડુપ્લીકેટ ચાલશે.? દેખાશે એકદમ ઓરીજીનલ જેવી જ હો..! પણ વેલીડીટી સ્વાર્થ પત્યા સુધીની જ રહેશે.!
ગ્રાહક :- ચાલશે.. મારે બસ સ્વાર્થ પતે ત્યાં સુધી જ ઉપયોગ માં લેવાની છે,પછી એક્સપાયર થઈ જશે તો ચાલશે.. આમ પણ બધું ભેડશેડીયું થઇ ગયું છે… ઓરીજનલ ની કિંમત તો બહુ મોંઘી છે.આજ કાલ શુદ્ધ નિસ્વાર્થ લાગણી ખરીદે છે જ કોણ..???
સંવાદ ભલે કાલ્પનિક હોય પણ આ હકીકત આપણે રોજબરોજના જીવનમાં ઘણી વખત અનુભવી શકીએ છીએ. આપણે ખરેખર અત્યારે શુષ્ક અને સંવેદનહીન બની ગયેલા સબંધોની દુનિયામાં જીવીએ છીએ. એવી દુનીયા જ્યાં સંબંધો,લાગણી, પ્રેમ કે, સંવેદનારૂપ, રૂપિયા, અને હોદ્દા જોઈને જોડવામાં આવે છે. ચોક્કસ ઉદ્દેશ્ય કે કોઈ સ્વાર્થને આધારિત જોડાયેલા સંબંધો વ્યવહાર નિભાવવા પૂરતા તકલાદી બની જતા હોય છે અને આવાં સંબંધોની દુનિયા સ્વાભાવિક રીતે જ છેતરામણી સાબિત થતી હોય છે.
સંબંધોમાં જે વ્યક્તિ સમય રોપે છે. સંવેદનાઓ, કાળજી, ચિંતા, પોતાપણું આરોપે છે પરંતુ એક દિવસ જ્યારે એ લાગણીનું વ્યાપારીકરણ થાય છે ત્યારે તેની આ બધી જ સદ્ભાવનાઓ મુલ્યહિન સાબિત થાય છે અને ત્યારે એ સંવેદનશીલ વ્યક્તિ પોતાનાં આંતર મન પાસે આહત પામે છે. સ્વજન શબ્દનો અર્થ પોતાનું માણસ એવો થાય.! પરંતુ પોતાના માણસ પાસે જ થતી પોતાની જ ભાવનાઓની બાદબાકી વ્યક્તિ માટે ખૂબ જ પીડાદાયક પુરવાર થતી હોય છે. કોઈ કિંમત થતી નથી આવી લાગણીઓની..! મૂલ્ય થાય છે ફક્ત રૂપિયાનું! કોઈ સમયે તમને આપેલી મોંઘી ભેટનું કોઈ પ્રસંગે કરાયેલા મોંઘા વ્યવહારનું ! અરે સંબંધોનું સૌથી વરવું સ્વરૂપ તો ત્યારે દેખાય છે, જ્યારે વ્યક્તિ કોઈ પ્રસંગે હતાશ થયેલા સ્વજનને આપેલા આશ્વાસનની ગણતરી પણ રૂપિયાની કિંમત માં કરવાં આવે.સારા સમયમાં સાથે જીવેલી આનંદદાયક ક્ષણો.! જો કયારેક કોઈ સંજોગોમાં સંબંધમાં ખટરાગ આવે તો જાણે પરસ્પર યુદ્ધનાં મેદાનમાં જેમ તરકસમાં તીરને સચવાય એવી રીતે યાદ કરી ને એક એક નબળાઈનો, ક્ષતિનો, ભુતકાળમાં થયેલી ભુલોનો.. જેમ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થાય તેવી જ રીતે શાબ્દિક પ્રહાર કરતા થઈ જાય છે..! બહુ સહજતાથી ભૂલી જવાય છે, એ ક્ષણોને જ્યાં સહાનુભૂતિ પ્રગટ કરેલી હતી..! ખૂબ જ સરળતાથી મૂકી દેવાય છે એ લાગણી નો તંત્ત જે કટોકટીની પરિસ્થિતિમાં પણ સુતરના તાંતણા જેવો હોવા છતાં મજબૂતાઈથી ટકાવેલો હતો.! આજના સમાજના સંબંધો તકલાદી બનતા જાય છે અને લોકો તકવાદી બનતા જાય છે. પરંતુ છેલ્લે તો નુકસાન પરસ્પર બંને વ્યક્તિને છે કારણકે લાગણી વ્યાપારિક નિયમોને અનુસરી શકતી નથી.
સંવેદનાની સૃષ્ટિમાં કેટલીક ભાવનાઓ અને કેટલીક અનુભૂતિઓનું કશું મૂલ્ય આંકી શકાતું હોતું નથી. પ્રેમ, લાગણી, સહાનુભૂતિ, સહકાર આ બધી જ અમૂલ્ય ગણી શકાય તેવી જણસ છે. દુનિયાના સૌથી ધનવાન લોકો પોતાની સમગ્ર દોલત લુંટાવીને પણ તકલીફ નાં સમય માં એક હૂંફાળો ખંભો ખરીદી શકતા નથી. અનેક સગા સંબંધીઓથી છલકાતા મેળાવડામાં એક શુદ્ધ લાગણી મળી રહે તેવું સ્વજન નોટોનાં મોંઘા દામ ચૂકવીને પણ ખરીદી શકતું નથી.. જિંદગીની આથમતી સાંજે ખુલ્લા મને જીવનસફરના લેખાજોખા કરી શકાય તેવું એક પોતીકું પાત્ર પણ વેચાતું લઇ આવી શકાતું નથી..! ખુશીના નકલી મુખપટા પહેરીને જીવાતા સામાજિક સંબંધો ને હકીકતની બારીએથી જોઈએ તો આંતરિક રીતે સાવ ખોખલા અને દેખાડાથી ભરેલા હોય છે. લગભગ ઘણા કુટુંબો માં ઘરની ચાર દીવાલોમાં માત્ર સ્વાર્થ જીવાતો હોય છે સધિયારો નહિ. એમાં પણ હવે તો મોટાભાગે સોશિયલ મીડિયામાં જોડાયા પછી લોકો પોતે સુખી છે એ કરતા સુખી દેખાય છે એ જતાવવું વધારે અગત્યનું બની ગયું છે. સહકુટુંબમાં એક ઘરમાં સાથે રહેતાં સભ્યો વચ્ચે ચાલતા આંતરવિગ્રહો અતિશય કષ્ટદાયક હોવા છતાં પણ ઘરનો દરવાજો ખોલતા જ મોહરાઓની પાછળ ઢાંકી દેવામાં આવે છે. કહેવાનો અર્થ એ નથી કે અંગત વાતોને દુનિયા સામે લાવો, પરંતુ માત્ર દુન્યવી દેખાવ માટે લાગણી નાં દેખાડા તો ન કરો..!
ખરા અર્થમાં જોઈએ તો હવે સમાજ, સંબંધો અને સંવેદનાઓ સમજણી થઈ ગઈ છે. આ એક દુ:ખદ ઘટના ગણાય. પરંતુ આ કડવું પણ સત્ય છે. લોકો અંગત સબંધો માટે તન, મન, કે ધનથી ઘસવાની વાત તો બહુ દૂરની થઈ ગઇ પરંતુ શાબ્દિક શુભેચ્છાઓ કે ઔપચારિક હાસ્ય આપવા માટે પણ ગણતરીઓથી ચાલતા હોય છે ! હવે કોઇ પણ સબંધમાં આનંદના આવેગો કે મોજની છોર આવતી નથી પછી એ સબંધ લોહીના હોય, સામાજિક, વ્યવસાયિક કે વ્યવહારિક..! કોઈને સહકાર કે સમર્થન આપતાં પહેલા લોકો નિજ સ્વાર્થ પેલા જોઈ લેતા હોય છે અને આવું જ શિક્ષણ આપણે જાણતા અજાણતા આપણા સંતાનોને પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ આપતા રહીએ છીએ. જો પોતાનો ફાયદો થતો હોય તો જ સામેની વ્યક્તિને મદદ કરાયઆવી સ્વાર્થી માનસિકતા વાળી આવનારી પેઢી આપણે જાતે તૈયાર કરી રહ્યા છીએ. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે, ઘડિયાળના કાંટા હંમેશા ગોળાકારમાં જ ફરતા હોય છે. જો આવી જ દરિદ્ર માનસિકતા સાથે સંતાનોનો ઉછેર થશે તો શક્ય છે આવનારા સમય માં ખરેખર લાગણી, પ્રેમ, હુંફ,કે સધિયારો શોધવા માટે સમાજનાં વ્યવહારોની કોઈ હાટડીએ લાગણીને વેંચાતી લેવાં લાઈનમાં ઊભું રહેવું પડે..!