ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
કરબલાના શહીદ હઝરત ઇમામ હુશેન અને તેના સાથીદારોની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોર્હરમ પર્વને આસૂરાના દિવસ તરીકે મનાવવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં નવાબી સમયની ચાંદીની સેજ સહિત 100 જેટલા તાજીયાઓ પડમાં આવ્યા હતા. સેજની ટાંકી ખાતે ચાંદીની સેજ દર્શનાર્થે રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દેશમાં એકમાત્ર જૂનાગઢ અને રાથપુર બે ગામોમાં જ રાત્રે તાજીયાનું ઝુલુસ નિકળે છે.
- Advertisement -
શહેરમાં ચાંદીની સેજ ઉપરાંત દાતારબાપુના રાજ તાજીયાના દર્શનનું અનેરૂ મહત્વ રહ્યુ છે. દાતાર રોડ પરથી દાતારબાપુના તાજીયાના પ્રયાણ વખતે માર્ગો પર હિન્દુ-મુસ્લિમ બિરાદરો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે. જયારે વોર્ડ નં.8માં મુલ્લાવાડામાં તાજીયા કમિટી દ્વારા તાજીયા બનાવવામાં આવ્યા છે.
જૂનાગઢ શહેરમાં મોર્હરમ પર્વ અંતર્ગત અનેક વિસ્તારોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પાંચ ડીવાયએસપી, 14 પીઆઇ, 52 પીએસઆઇ, 950 પોલીસ, 1એસઆરપીની કંપની, 100 હોમગાર્ડ, બે ગાર્ડ સહિતની ટીમ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે બંદોબસ્ત માટે રાખવામાંઆવ્યા છે. રૂટના તમામ માર્ગો પર સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે.