રાજેશ ત્રિવેદી
જય જય શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ, કરહું કૃપા હે રવિ તનય રાખહું જન કી લાજ
- Advertisement -
વૈશાખ માસના કૃષ્ણપક્ષની અમાસ એટલે નવગ્રહોમાં સર્વથી શ્રેષ્ઠ તથા ન્યાયનું પદ પ્રાપ્ત કરનાર શનિદેવની શનિજયંતિનો દિવસ તરીકે ઓળખાય છે, એમ પણ માનવામાં આવે છે કે લોકોના તેમના સારા કે ખરાબ કર્મનું ફળ શનિદેવ જ પ્રદાન કરે છે, આ શનિદેવ જો કુંડળીમાં સારા સ્થાન પર બિરાજમાન હોય તો મનુષ્યને ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે અને ઓછા સમયમાં સફળતા આપી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ કરે છે. પિતા સૂર્યદેવના તેમજ છાયા માતાના પુત્ર એટલે શનિદેવનો જન્મ વૈશાખમાસની અમાસના દિવસે થયો હતો અને બાળપણથી જ શનિદેવ ભગવાન કૃષ્ણના પરમ ઉપાસક હતા, દેવાધિદેવ મહાદેવના તપ દ્વારા શનિદેવને નવગ્રહોમાં સૌથી શ્રેષ્ઠ ઉપાધિ તેમજ લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપવા માટે ન્યાયના પદનું વરદાન પ્રાપ્ત થયું છે તેથી આજે પણ શનિદેવને આપણે કર્મફળદાતા શનિ તરીકે ઓળખીએ છીએ ઉપરાંતમાં આ શનિઅમાસના દિવસે શું કરવાથી પિતૃદેવો સાથે શનિદેવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, આ દિવસે પિતૃઓના આત્માની શાંતિ માટે બ્રાહ્મણો પાસે શ્રાદ્ધ વિધાન કર્મ, તર્પણ તેમજ પિંડદાનની વિધિ કરાવવી, જો કુંડળીમાં કાલસર્પ દોષપણ બનતો હોય તો આ દિવસે તેમનું પૂજન પણ બ્રાહ્મણો પાસે કરાવવાથી કાલસર્પદોષ દુર થાય છે તથા મનુષ્યના જીવનમાં નકારાત્મકમાંથી સકારાત્મક પરિણામ આપે છે અને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે સાથો સાથ આ દિવસે અડદ અથવા કાળી અડદની દાળનું દાન જો કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે, ઉપરાંતમાં હનુમાનજીની પૂજા કરી ચમેલીનું તેલ, સિંદુર, લાડવા તથા શ્રીફળ એટલે નારિયેળ ચડાવી બજરંગબાણ તથા શનિસ્તોત્ર-શનિચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ વિશેષ પ્રસન્ન થાય છે.
વૈશાખ માસની અમાસના દિવસે શનિદેવને રાજી કરવા કયા કયા ઉપાયો કરવા? શું ચડાવવું? કઈ રીતે પુજન કરવું તો આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી શનિદેવના મંદિરે જવું, સાથોસાથ સરસવનું તેલ, કાળાતલ, અડદ, કાળું પીસ(વસ્ત્ર), આંકડાની માળા, રૂ ની વાટ, નાનું કોડિયું સાથે લઇ જવું. આ બધી વસ્તુ શનિદેવને ઉપરમુજબ મંત્ર બોલી ભાવપૂર્વક અર્પણ કરવી. પીપળાના ઝાડને પાણી રેડવું કેમ કે શનિદેવનું એક નામ પિપ્પલાશ્રય પણ છે, રૂની વાટ સાથે તેલનો દીવો કોડિયામાં પીપળાના ઝાડ નીચે પ્રગટાવવાથી કોઈપણ પ્રકારનો શનિદોષ કે પિતૃદોષ હોય તો તે દુર થાય છે. શનિદેવના દસનામનું સ્મરણ માત્રથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે કયા છે આ નામ તો શ્રી કોણસ્થ, પિંગલ, બભુ, કૃષ્ણ, રોંદ્રાંતક, યમ, સૌરી, શનૈશ્વર, મંદ, પિપ્પલાશ્રય, આમ નામ સ્મરણ દ્વારા શનિદેવ રાજી થાય છે. પ્રત્યેક મનુષ્યને શનિદેવની અંતરદશા, મહાદશા તેમજ સાડાસાતી ચાલતી હોય તે સમય દરમ્યાન શનિદેવના બીજમંત્ર ૐ શન્નો દેવી રભિષ્ટય આપો ભવન્તુપ્રીતયે, શં યોર ભિસ્ત્રવન્તુ ન: શં નમ:, ૐ શં શનૈશ્ચરાય નમ: નામના બીજમંત્રની સાધના કરવી તેમજ શનિદેવના 23000 જાપ થઇ શકે તો કરવાથી જીવનમાં આવેલ દરેક મુશ્કેલીઓનો સામે રક્ષણ પ્રાપ્ત કરવાની ક્ષમતા મળે છે તથા ધંધા તથા નોકરી પ્રગતીમાં રુકાવટ તથા બાધા બનતુ પરિબળ દુર થાય છે.
નવગ્રહોમાં શનિદેવને ન્યાયના અધિપતિ તેમજ કર્મફળના દાતા તરીકે ઓળખવામાં આવે છે.કર્મફળ દાતા એટલા માટે કે શનિદેવનો ન્યાય એમ કહે છે જયારે મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે તમારો સમય સારો હોય ત્યારે થોડો પણ રૂપિયો દાન, પુણ્ય કે ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. સારા સમય દરમ્યાન કોઈ એવા સારા કર્મ નથી કર્યા માટે એની પ્રતીતિ કરાવા અર્થે શનિદેવ એ પ્રકારની પીડા આપી યોગ્ય ન્યાય આપે છે અને તે મનુષ્યને સુવર્ણસમાન એકદમ ચળકાટ ભર્યો તથા નિખાલસ હૃદયવાળો બનાવી જીવનનું તમામ સુખ આપે છે. શનિદેવની ઉપાસના કરવાથી ગૃહકલેશનો નાશ થાય છે.
- Advertisement -
ઉપરાંતમાં આ પવિત્ર દિવસે શનિ દેવના શુભ ફળ પ્રાપ્ત કરવા માટે કીડીને કીડીયારુ પૂરવું, માછલીને ખવડાવવું,ગૌ માતાને ઘાસચારો કરવો, પક્ષીઓને ચણ નાખવી, શ્વાનને રોટલી આપવાથી શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે, સાથોસાથ શનિદેવની કૃપા કાયમ ચાલુ રહે એ માટે સાચું બોલવું અને સારા કાર્યો કરવા, ગરીબ અને નબળા લોકોની મદદ કરી તેમને ભોજન કરાવવું, પર સ્ત્રી પર નજર ણ કરવી, વૃક્ષ વાવી તેનો ઉછેર કરી પક્ષીઓ પ્રત્યે સહાનુભુતિ રાખવી તેમજ કાળા કુતરાને રોટલી ખવડાવવાથી શનિદેવની કૃપા તથા આશીર્વાદ કાયમ વરસતા રહે છે અને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી પ્રગતિમય બનતો રહે છે.