62 એકર કિલ્લામાં સાયકલ ચલાવી સાયકલિસ્ટોએ અવશ્ય મતદાન કરવા લીધા શપથ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાની પ્રાચીરથી અચૂક મતદાનનો આગવી રીતે સંદેશ આપાયો છે, 62 એકરમાં પથરાયેલા ઉપરકોટના વિશાળ કિલ્લામાં વહેલી સવારે સાયકલ સવારોએ સાયકલ ચલાવી તા.7મી મે એ અચૂક મતદાન માટે સંદેશ આપ્યો છે. આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિતના સાયકલીસ્ટો જોડાયા હતા.
- Advertisement -
જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સાયકલ રેલીમાં 50થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા. આ તકે સાયકલિસ્ટોએ નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે શપથ લીધા હતા. ઉપરાંત સાઇકલ સવારો મતદાન જાગૃતિ અર્થેના સિગ્નેચર કેમ્પેઈનમાં પણ જોડાયા હતા અને ચૂંટણી અધિકરીના માર્ગદર્શન નીચે મતદાન જાગૃતિ અર્થે રચનાત્મક પ્રયાસો હાથ ધરાયા છે, તેના જ ભાગરૂપે આ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું.
તેમજ સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ માટે 15 દિવસ માટેનું વિશેષ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જયારે આ સાયકલ રેલી યોજવામાં આવી હતી. જેમાં ઉત્સાહભેર સાઈકલીસ્ટો જોડાયા હતા તથા સાયકલ એસોસિયેશનના પ્રમુખ કલ્પેશ સાખલાએ જણાવ્યું કે, આ સાયકલ રાઈડના માધ્યમથી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા સુભાશય સાથે સાયકલ રેલી યોજવામાં આવી હતી. ત્યારે સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિત દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે.