કદી રસ્તે, વખતના હાથથી પીંખાઈ જાશું તો!
કદી પોંખાઈ જાશું! તું સખી આદેશ આપે તો
વ્હાલી જિંદગી,
- Advertisement -
તું પારિજાતની નમણી ડાળી પર ખીલેલું, મારી ધ્રાણેન્દ્રિયને મઘમઘ કરનાર ફૂલ છે. તું મારી ભીતર અડાબીડ ફૂલ્યે જતું વાંસવન છે. તારી નમણી કાયાની આરપાર હું વાંસળી બની વાગી જાઉં છું… વહેલી સવારે જાગી જાઉં છું અને સમૂળગો જિંદગી બની જાઉં છું. તું મારાં હૃદયમાં સ્થાપિત થયેલો તણખો છે જે મને ધગધગતો રાખે છે. જ્યારે જ્યારે તને જોઉં છું ત્યારે ભગવાનને જોતો હોઉં એવું લાગે છે. પ્રતિદિન તું મને વધારે ને વધારે વહાલી લાગતી જાય છે. ચંદ્રની ચડતી -ઉતરતી કળા કરતાં મને તારું રૂપ વધારે સુંદર લાગે છે. ચંદ્રમાં તો ડાઘ પણ છે જ્યારે મારી જિંદગી ડાઘ રહિત, નિર્મળ અને પવિત્ર છે. તારી સાથે હોઉં ત્યારે સ્પર્શવાની એક પણ તક હું જવા નથી દેતો કારણ કે તારો સ્પર્શ મારા માટે સાક્ષાત્ પારસમણિ છે. જિંદગી! હું તને ભરપૂર ચાહું છું. તું મારું એ તત્ત્વ છે જે મને જડી ગયેલું છે, મારાં હૃદયને અડી ગયેલું છે. તું જ મારું બ્રહ્મ છે અને બ્રહ્માસ્ત્ર પણ. હું તને ક્ષણે ક્ષણે જપું છું. તારા નામનો જાપ મારાં આત્માને અજવાળે છે અને હું ભર્યો ભર્યો થઈ જાઉં છું. તારામાં રમમાણ રહીને હું જીવનનના તત્ત્વને જાણું છું.
જિંદગી! તું મને નખશિખ ગમે છે. તારા પગનાં અંગૂઠાથી લઈ કાળા વાળની અંદર છૂપાયેલાં સોનેરી વાળનાં સેર સુઘી… તારી પાંપણની નમણાશથી લઈને તારી છાતીની ભીનાશ સુધી… તારા સ્પર્શથી લઈને થોકબંધ ચુંબનોની હારમાળા સુધી… હું તારામાં ઊંડે ઊંડે ઉતરતો જાઉં છું. એટલો ઊંડે કે જ્યાં ઊંડાઈનાં તળિયાનું માપ જ સમાપ્ત થઈ જાય. મારી અંદર અજીબ પ્રકારની રોમાંચક હલચલ થાય છે, લોકો જેને પ્રેમનાં સુંવાળા નામથી ઓળખે છે. તારા સ્પર્શનાં જાદુથી મારા બધાં જ રોગ છૂમંતર થઈ જાય છે. તારી આંખોનાં કાતિલ નખરાથી હું ચૂર ચૂર થઈ જાઉં છું. તારા આવવાનો પગરવ મારાં કાનને સતેજ કરીને હૃદયમાં સાથિયા પૂરવા લાગી જાય છે. તું મારાં હૈયાની હિંડોળાખાટ છે… તું મારાં દીવાની અવિચળ પ્રગટી રહેલી વાટ છે… તું હરદમ હૈયામાં ભરચક ભીનો રહેતો ઘાટ છે… વહેલી સવારની ખુશનુમા હવા તારો સંદેશો લઈને મારી આરપાર પસાર થઈ જાય ત્યારે મારું હોવું વધારે જીવંત બની જાય છે. તારા ભીંજાયેલા વાળમાં પૂરાઈ રહેલાં પાણીનાં ટીપાં પર તડકો પડતાં જ જાણે સોનેરી મોતીની અઢળક સેરો ફૂટી નીકળે છે. હું આભો બનીને એને જોયાં કરું છું. તું હસીને મને બોલાવે છે, હું ઊછળીને તને સ્પર્શવા અને માણવા મારાં મૂકામ (તારા) સુધી પહોંચી ઓતપ્રોત થઈ જાઉં છું. સ્થળ – કાળ બઘું જ થંભી જાય છે… દશે દિશાઓમાં તારા હોવાનું અજવાળું રેલાવા લાગે છે…
મારું આખું જગત રોશનીથી રળિયાત થઈ જાય છે. મારી આંખોમાં વિસ્મય ડોકિયાં કરે છે. જિંદગીને આ રીતે ચાહવાથી આટલું બધું પ્રાપ્ત થાય છે તો સતત જિંદગીમય રહેવાની મજા માણવાનું ક્યારેય નથી ચૂકવું. બસ જિંદગી જે આદેશ આપે એ મુજબની ગતિ એટલે પ્રગતિ. જિંદગી! તું મારાં આત્માના અજવાળાની લકીર છે જે મને રસ્તો દેખાડી જાય છે. તું મારાં આયખામાં લહેરાતો લીલોછમ બારમાસી પાક છે. મારી અંદર સહેજ પણ ઓછપ કે અધૂરપ નથી કેમ કે મેં જિંદગીને ભરપૂર ચાહી છે… ચાહું છું… ચાહતો રહીશ…
સતત જિંદગીમય રહેતો…
જીવ.
- Advertisement -
(શીર્ષકપંક્તિ:- નિકુંજ ભટ્ટ)