સફાઈ કર્મચારીઓ માટે 5 લાખ વીમાની રકમ, મેડિકલ ચેક અપ, મહિલા સેલ સક્રિય રાખવા સહિતના મહત્વપૂર્ણ સૂચનો આપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ચેરમેન એમ. વેંકટેશન આજે રાજકોટ પધાર્યા હતા. તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર/જિલ્લા મેજિસ્ટ્રેટ, મહાનગર પાલિકા કમિશનર, રાજકોટ સંયુક્ત પોલીસ કમિશનર, નગરપાલિકાઓના કમિશનર, પાલિકાઓના ચીફ ઓફિસર તેમજ સફાઈ કર્મચારીઓના અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આયોગના ચેરમેનએ યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી સફાઈ કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નો જાણ્યા હતા. આ સાથે તંત્રના સંબંધિત અધિકારીઓ પાસેથી આ પ્રશ્નો બાબતે લેવાયેલા પગલાંની વિગતો પણ જાણી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીઓની ભરતી, સુવિધા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફથી આયોગને જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરમાં ટુંક સમયમાં જ 531 સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે અલાયદો અદ્યતન કમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવશે. જેની ક્ષમતા એક સાથે ચાર – પાંચ લગ્નો થઈ શકે એટલી મોટી હશે. આના માટે બજેટમાં જોગવાઈ પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને નિયમિત દર મહિને વેતન મળી જાય તે માટે કોન્ટ્રાક્ટર માટે ટેન્ડરની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. આ સાથે સફાઈ કર્મચારીઓને લઘુતમ વેતન મળે તે પણ નિશ્ચિત કરવામાં આવ્યું હતું.
આ તકે રાજકોટમાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચરે સફાઈ કર્મચારીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત અપાયેલા લાભોની વિગતો રજૂ કરી હતી. આયોગના ચેરમેનએ સફાઈ કર્મચારીઓ માટે વીમાની રકમ પાંચ લાખની કરવા, વર્ષમાં એકવાર ફૂલ લેન્થ મેડિકલ ચેક અપ કરવા, મહિલા સેલ સક્રિય રાખવા સહિતના વિવિધ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. આયોગના ચેરમેન વેંકટેશનના આગમન સમયે કલેક્ટર પ્રભવ જોશીએ તેમને આવકાર્યા હતા. ચેરમેનને જસદણના કારીગરોએ તૈયાર કરેલી કલાત્મક કૃતિ અર્પણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા નગરપાલિકાઓના ઇન્ચાર્જ કમિશનર સ્વપ્નિલ ખરે, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, રાજકોટ ઝોન -1 નાયબ પોલીસ અધિક્ષક સજ્જનસિંહ પરમાર, નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી, અધિક કલેક્ટર ઈલાબહેન ચૌહાણ, મહાનગરપાલિકાના અધિકારીઓ, શ્રમ વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓના વિવિધ યુનિયનના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.