ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે 181 મહિલા હેલ્પલાઇન ટીમે રાત્રીના સમયે ભૂલા પડેલા 70 વર્ષનાં માનસિક અસ્થિર વૃદ્ધાને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા હતાં અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 181માં કોલ આવ્યો હતો જેમાં વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા વૃદ્ધ મહિલા એકલા છે અને ભૂલા પડી ગયા છે. આ કોલથી તાત્કાલિક વેરાવળ 181 ટીમના કાઉન્સેલર દાફડા અંજના અને પાઈલોટ બામણિયા રમેશ સહિતની ટીમ સ્થળ પર પહોંચ્યા હતાં વૃદ્ધા સાથે વાતચીત કરી હતી અને જાણવા મળ્યુંકે વૃદ્ધાને ત્રણ દિકરા અને એક દિકરી છે. વૃદ્ધા દિકરાની શોધમાં ઘરેથી નીકળ્યા હતા પરંતું દિકરા ન મળતા વૃદ્ધા ખૂબ જ રડવા લાગ્યા હતાં. તેથી તેમને આશ્વાસન આપી દિકરા સુધી પહોંચાડવાની સાંત્વના આપી હતી જેથી વૃદ્ધાનાં જણાવ્યા મુજબ વેરાવળની સોસાયટીમાં પહોંચ્યા હતા. જે પછી સોસાયટીના લોકો પાસેથી પરીવાર વિશે જાણકારી મેળવી હતી અને દિકરીનાં ઘરે પહોંચ્યા હતાં. દિકરી- જમાઈ અને વૃદ્ધાનાં પતિને મળ્યા તો જાણવા મળ્યું કે, ખરેખર વૃદ્ધાને કોઈ સંતાન નથી અને જેને દિકરી તરીકે જણાવતા હતા તે તેમના ભાઈની દિકરી હોય અને હાલ તેઓ દિકરી-જમાઈ તે બન્ને પતિ-પત્નીને સંભાળે છે. આમ દિકરા ન હોવાના ખાલીપામાં વૃદ્ધાએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું. વૃદ્ધાની શોધમાં ચિંતાતુર દિકરી-જમાઈ અને વૃદ્ધાનાં પતિ સાથે મિલન કરાવતા ખુશ થઈ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.