છેલ્લા બે દિવસના અનુભવો કલ્પનાતીત રહ્યા. લગભગ ત્રીસ ત્રીસ વર્ષથી અનેક સેવાકાર્ય કરતી સંસ્થાઓ સાથે હું મનથી અને કલમથી જોડાયેલો રહ્યો છું. પોલિયો, કિડની, રક્તપિત કે આર્થિક અભાવોથી પીડિત લોકો માટે સંવેદનાસભર નિસ્બત રાખી છે, પણ ’ડુંગરા ભીલ’ તરીકે ઓળખાતી પ્રજાના જીવનમાં મેં પહેલીવાર ડોકિયું કર્યું. આ ટ્રાઇબલ વિસ્તારમાં પહોંચવાના આગલા દિવસે તિલકવાડામાં આવેલા મણિનાગેશ્વર મંદિરમાં રાતવાસો કર્યો. મારી સાથે કેડિલા ફાર્મા.ના સિનિયર કર્મચારી દિલીપસિંહ ચૌહાણ હતા. આણંદના યુવાન છતાં સાત્વિક મિત્ર નીરજ પંડ્યા એક્સપ્રેસ વે પર અડધી સફરે જોડાઇ ગયા. વડોદરાથી ચિરાયુ પંડિત જોડાયા. આ ત્રણેય યુવાન મિત્રો મને નાનાભાઇઓ જેટલા પ્રિય છે. મંદિરના ઉતારા પર રાત્રિના દોઢ વાગ્યા સુધી ખૂબ વાતો કરી. આ રાત્રિ મુકામનું વિશેષ સંભારણું એ બની રહ્યું કે મંદિરના ગુરુજી શ્રી મણિનાગેશ્વર મહારાજે સ્વયં પોતાના હાથે રસોઇ બનાવીને ભાવપૂર્વક જમાડ્યા. (રાંધવા માટે અન્ય સહાયકો હોવા છતાં.) સવારે વિદાય આપતી વખતે ગુરુજીએ કહ્યું કે ’આ ગરીબ સમાજને વસ્ત્રોની એટલી જરૂર નથી, જેટલી ગાદલાં, ગોદડાં, વાસણો જેવી વસ્તુઓની જરૂર છે. પણ ઊંચા ઊંચા ડુંગરો પર છૂટાંછવાયાં ઝૂંપડાંઓમાં અનેક હાડમારીઓ સહીને જીવન ગુજારતા આપણા જ ભાંડુઓને પ્રત્યક્ષ મળ્યા પછી સમજાયું કે આ લોકોની વસ્ત્રો સહિત ઘણીબધી વસ્તુઓની જરૂર છે. પૂ. મણિનાગેશ્વર સ્વામીની સલાહનો સંદર્ભ ગયા વર્ષે સરદાર સરોવરમાંથી વહી આવેલા અફાટ જળરાશિએ વેરેલી વિનાશક તબાહીનો હતો. જે વિનાશ તળેટીમાં થયો હોય તે પહાડ પર ન થયો હોય. ’ડુંગરા ભીલ’ તરીકે ઓળખાતી આ પ્રજાને મળ્યા પછી સ્વામી વિવેકાનંદનું વાક્ય યાદ આવી ગયું, ’દરિદ્રનારાયણને મદદ કરવા માટે લંબાયેલો એક હાથ ઇશ્વરની ભક્તિ માટે ઊઠેલા બે હાથ કરતાં વધુ પવિત્ર હોય છે.’ દિવસ દરમિયાન સાત ગામોમાં રૂબરૂ જઇને, લોકોને મળીને, એમની વ્યથાઓ જાણીને, એમના વાંસ અને લાંકડાંના બનેલા ઘરમાં બેસીને, એમણે બનાવેલું ભોજન જમીને મેં અને મારા મિત્રોએ જે કંઇ જોયું અને જાણ્યું એ પછી અમે બધા નિ:શબ્દ હતા. હું વિચારું છું કે થોડા દિવસ અમારા અનુભવોમાંથી કેટલીક વાતો ’મોર્નિંગ મંત્ર’માં પીરસું. કદાચ બધાને ન પણ ગમે. જેમને ન રુચે એ મિત્રો મારા અંગત નંબર પર મેસેજ કરીને જણાવે. હું એક વાત ભારપૂર્વક કહીશ કે જીવનભરની પ્રવૃત્તિઓથી થાકીને અધ્યાત્મના શરણે ગયેલા મારા જેવા મુમુક્ષુને આ ભીલ ભાઇ-બહેનોએ ફરીથી સામાજિક ક્ષેત્રે સક્રિય બનવા માટે પ્રેરિત કર્યો છે. જો અમદાવાદના, સુરતના, અંકલેશ્વરના કે સૌરાષ્ટ્રના મિત્રો સાથ આપશે, તો બાકી બચેલાં તમામ વર્ષો આ અભાવગ્રસ્ત ભાઇ-બહેનોનાં નામ પર અર્પણ કરી દેવાં છે.
દરિદ્રનારાયણને મદદ કરવા માટે લંબાયેલો એક હાથ ઇશ્ર્વરની ભક્તિ માટે ઊઠેલા બે હાથ કરતાં વધુ પવિત્ર હોય છે

You Might Also Like
Follow US
Find US on Social Medias


