ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
વિઝિટ કર્યા પહેલા બાંધકામની મંજૂરી ન આપવા સરપંચોની માગ : ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રૂડા કચેરીએ આજે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ અનેક ગામડાઓમાં રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી સુવિધા નહીં હોવાથી આ માટે પગલાં લેવા માગ કરી હતી. તેમજ રૂડા કચેરી દ્વારા કરાતી પ્લોટ ફાળવણી પૂર્વે અધિકારીઓને સ્થળ મુલાકાત લેવા અપીલ કરાઈ હતી. જેમાં 48 જેટલા ગામના સરપંચો તેમજ પ્રતિનિધિઓ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
હરીપર પાળનાં સરપંચ મુન્નાભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાનાં 48 ગામડાઓનો રૂડામાં સમાવેશ કરાયો છે. ત્યારે રૂડા દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે નક્કર કાર્યવાહી થતી નથી. જેમાં રસ્તાઓ ભૂગર્ભ ગટર જેવી કામગીરી તેમજ રહેણાંક હેતુનાં પ્લોટની ફાળવણી સહિતની બાબતો યોગ્ય રીતે અને સમયસર કરાતી નથી. ઘણા પ્લોટની ફાળવણી બાકી છે, પરંતુ અપસેટ પ્રાઈઝ નક્કી નહીં કરવામાં આવી હોવાથી પ્લોટની ફાળવણી થઈ શકતી નથી. બીજીતરફ જંત્રીનાં ભાવ વધતા હોવાથી લોકોને વધારાનો બોજો સહન કરવો પડી રહ્યો છે. આ તમામ બાબતે આજે રજૂઆત કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતો પાસેથી રૂડાએ નવા બનતા બિલ્ડીંગ અને ફેક્ટરીઓ સહિતના બાંધકામોની મંજૂરીનો પાવર લીધો છે. જેમાં કોઈપણ સ્થળ મુલાકાત લીધા વિના અને પ્રાથમિક સુવિધાઓ આપ્યા વિના મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં પ્રાથમિક સુવિધાઓ નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો ગ્રામ પંચાયત પાસે આવે છે અને ગ્રામ પંચાયત તેઓને આ સુવિધા આપવા સક્ષમ નહીં હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબુર બને છે. ત્યારે આવી મંજૂરી આપતા પહેલા અધિકારીઓ રૂબરૂ મુલાકાત લે તેની જરૂર છે. ગ્રામ્ય વિસ્તારમાં થતા બાંધકામોની ઈંપેક્ટ ફી રૂડા કચેરી જ વસુલ કરે છે. તેમજ પ્લાનની ફી સહિતની તમામ રકમ રૂડા ઉઘરાવે છે. ત્યારે આ રકમનો ઉપયોગ કરીને રૂડા દ્વારા નવા બંધકામોને મંજૂરી આપતા પહેલા પ્રાથમિક સુવિધા ઉભી કરવાની ફરજ પણ રૂડાની છે.
જોકે આમ થતું નથી. ત્યારે રૂડાનાં અધિકારીઓએ સરપંચને સાથે રાખી દરેક ગામમાં વિઝીટ કરવી જોઈએ. બાદમાં જ નવા બાંધકામની મંજૂરી આપવી જોઈએ. જેથી આ પ્રકારના પ્રશ્નો થાય નહીં.
રૂડા દ્વારા ભૂગર્ભ, પાકા રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં ઉભી કરવામાં આવે તેની જરૂર છે. છેલ્લા 20-30 વર્ષથી ગામતલ નીમ થઈ ગયા છે અને પ્લોટિંગ પડી ગયા છે, પરંતુ રૂડાની અને સરકારની ઉદાસીનતાને લીધે આ પ્લોટોની ફાળવણી કરી શકાઈ નથી. ત્યારે વહેલામાં વહેલી તકે ગામતલનાં પ્લોટોનું નિરાકરણ આવે તેવી પણ અમારી માગ છે. જો ટૂંક સમયમાં આ અંગે જરૂરી પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સુધી રજૂઆત કરીને ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.