સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનના સહયોગથી ત્રણ દિવસીય કેમ્પનું સફળ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સામાજિક અને તબીબી સેવાક્ષેત્રે અગ્રેસર રહેનાર સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં ત્રણ દિવસીય જયપુર ફૂટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ કેમ્પમાં કુલ 87 જરૂરિયાતમંદ દર્દીઓએ વિનામૂલ્યે કૃત્રિમ અંગો અને સારવારનો લાભ લીધો હતો. તા. 1 થી 3 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં, 28 દર્દીઓને કેલિપર્સ, 42 દર્દીઓને નવા કૃત્રિમ પગ અને 17 દર્દીઓના કૃત્રિમ અંગોનું સમારકામ (રિપેરિંગ) કરી આપવામાં આવ્યું હતું. આ તમામ સેવાઓ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી, તેમ સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી અને રશ્મિભાઈ કમાણીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી. કમાણી ફાઉન્ડેશનના કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે, કનૈયાલાલ ગજેરા અને સરગમ લેડીઝ કમિટીના સભ્યો સહિત અનેક કાર્યકરોએ સેવા આપી હતી.
રાજસ્થાનના નિષ્ણાત ડોક્ટરો જગનલાલ ચૌધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર અને રામપ્રસાદ મેઘવાલે પોતાની સેવાઓ આપી દર્દીઓનું નિદાન કર્યું હતું.
આગામી કેમ્પની જાહેરાત: આ સફળતા બાદ, સરગમ ક્લબ દ્વારા આગામી જયપુર ફૂટ કેમ્પની જાહેરાત કરવામાં આવી છે. આગામી કેમ્પ તા. 1 ઓક્ટોબર, 2025 ના રોજ ત્રણ દિવસ માટે યોજાશે. આ જાહેરાતથી વધુ જરૂરિયાતમંદોને આ સેવાઓનો લાભ મળવાની આશા બંધાઈ છે.