મંત્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિઃ ૧૫૦૦ રોપાઓનું વાવેતરઃ પુસ્ત્કનું અનાવરણ
રાજકોટ તા. ૧૩ ઓગસ્ટ- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજયકક્ષાના વનમંત્રી રમણભાઇ પાટકરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઇશ્વરીયા પાર્ક ખાતે રાજકોટ જિલ્લા કક્ષાનો ૭૨મો વન મહોત્સવ ૧૪ ઓગસ્ટે સવારે ૯.૦૦ વાગ્યે યોજાશે, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઇ રાદડિયા ઉપસ્થિત રહેશે.
‘‘ગ્રીન ગુજરાત-કલીન ગુજરાત-સ્વસ્થ ગુજરાત’’ની ઝૂંબેશ અન્વયે યોજાનારા આ વન મહોત્સવમાં સ્થળ પર ૧૫૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. રાજકોટ સામાજિક વનીકરણ વિભાગની વર્ષભરની કામગીરીની દાસ્તાન રજૂ કરતી કોફી ટેબલ બુકનું આમંત્રિતોના હસ્તે અનાવરણ કરવામાં આવશે. વન વિભાગના ક્ષેત્રીય કર્મચારીઓની કામગીરીને બિરદાવવા માટેની ટૂકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ આ પ્રસંગે પ્રદર્શિત કરાશે. આ કાર્યક્રમમાં સંસદસભ્યો સર્વ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક અને રામભાઇ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, ગીતાબા જાડેજા, લલિતભાઇ વસોયા, લલિતભાઇ કગથરા અને મહમદજાવીદ પીરઝાદા, અધિક વન સંરક્ષક એ.એમ. પરમાર ઉપસ્થિત રહેશે, તેમ કલેકટર અરૂણ મહેશ બાબુ અને નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધેક્રિશ્નાની યાદીમાં જણાવાયું છે.


