મતદાન કર્યાનું બ્લ્યુ ટીક છે તો.. 7 ટકા વળતર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ મહત્તમ મતદાન થાય અને મતદાતાઓને પ્રોત્સાહન મળે તે માટે ખાસ જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તા.7મી મેએ મતદાન કરનાર મતદાતા બ્લ્યુ ટીક બતાવી જૂનાગઢની જાણીતી 45થી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ આપવા માટે હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ઉત્સાહભેર સહમતિ દર્શાવી હતી.
કલેકટર કચેરી ખાતેકલેકટરની અધ્યક્ષતામાં હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે મળેલી આ બેઠકમાં મતદાતાઓને વિશેષ રીતે પ્રોત્સાહન મળે અને તા.7મી મેએ ઉત્સાહભેર મતદાન કરે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક્માં હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ પણ લોકશાહીના આ મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે માટે 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક સહમતી આપી છે. આ ડિસ્કાઉન્ટ માટેના બોર્ડ બેનર હોટલ – રેસ્ટોરેન્ટ બહાર પણ લગાવવામાં આવશે.
ઉપરાંત મહત્તમ મતદાન થાય તે માટે ગ્રાહકો સહિતના નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે પણ ઉત્સાહ બતાવ્યો હતો હળવા માહોલમાં મળેલી આ બેઠકમાં પારદર્શક ચૂંટણી પ્રક્રિયા ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ જાણકારી આપી હતી.જયારે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખશ્રી વિપુલભાઈ કોટેચાએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે વ્યાપક જનજાગૃતિ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોશિએશન ઉત્સાહભેર સહયોગ આપી રહ્યું છે.