ખાસ-ખબર ન્યૂઝ ઢાકા
અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું આંદોલન અને ત્યારબાદ 5 ઓગસ્ટે પૂર્વ પીએમ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો. દોઢ મહિના બાદ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે બીએનપી સહિત વિપક્ષી પાર્ટીઓની ચૂંટણીની માગ વચ્ચે સેનાની સત્તામાં વધારો કર્યો છે. એક અહેવાલ મુજબ વચગાળાની સરકારે તાત્કાલિક અસરથી દેશભરની સેનાને વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટની સત્તા આપી દીધી છે. બાંગ્લાદેશ સરકારની સૂચના અનુસાર આર્મી અધિકારીઓ આગામી 60 દિવસ સુધી સમગ્ર બાંગ્લાદેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરી શકશે. હવે 2 મહિના સુધી બાંગ્લાદેશમાં સેનાની સરકાર છે. વચગાળાની સરકારના સલાહકારે કહ્યું કે મેજિસ્ટ્રેટની સત્તા મળ્યા બાદ સેના અધિકારી પાસે લોકોની ધરપકડ અને અટકાયત કરવાની સત્તા હશે. અધિકારી સ્વબચાવમાં અથવા જરૂર પડ્યે ગોળી પણ ચલાવી શકે છે.
શેખ હસીનાની સરકાર ગબડી ત્યારથી ઘણા પોલીસકર્મીઓ છેલ્લા દોઢ મહિનાથી પોલીસ સ્ટેશનમાં આવતા નથી. 5 ઓગસ્ટે શેખ હસીનાની વિદાય બાદ 664માંથી 450 પોલીસ સ્ટેશન પર હુમલા થયા હતા. હુમલા બાદ, બાંગ્લાદેશ પોલીસ સબઓર્ડિનેટ સ્ટાફ યુનિયને 6 ઓગસ્ટના રોજ અનિશ્ર્ચિતકાળ સુધી હડતાળની જાહેરાત કરી હતી. ગૃહ મંત્રાલયના તત્કાલીન સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ.સખાવત હુસૈન સાથેની ઘણી બેઠકો પછી 10 ઓગસ્ટે હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. હજુ પણ અનેક પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાંથી ગુમ છે. સેનાની સત્તા વધારવાનો નિર્ણય એવા દિવસે લેવામાં આવ્યો છે જ્યારે વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના હજારો કાર્યકર્તાઓ ઢાકાના રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચૂંટણી દ્વારા લોકતાંત્રિક પરિવર્તનની માગ કરી હતી. તેઓ બીએનપી હેડક્વાર્ટરની બહાર સૂત્રોચ્ચાર કરતા અને નવી ચૂંટણીઓની માગ કરતા ભેગા થયા હતા. કારણ કે સરકારે હજુ સુધી ચૂંટણી ક્યારે યોજવામાં આવશે તે જણાવ્યું નથી. હસીના સરકારના પતન પછી બીએનપીએ 3 મહિનામાં ચૂંટણીની માગ કરી હતી. બાદમાં, બીએનપી અને તેના કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામી, દેશની મુખ્ય ઇસ્લામી પાર્ટી એ કહ્યું હતું કે તેઓ ચૂંટણી પહેલાં યુનુસની આગેવાનીવાળી સરકારને વધુ સમય આપવા માગે છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર અને બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાને મંગળવારે તેમના સમર્થકોને ઓનલાઈન સંબોધિત કર્યા હતા. તારિકે કહ્યું કે માત્ર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી જ બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ર્ચિત કરી શકે છે.