ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા જિલ્લાના નેશનલ હાઈવેના પુલોની તાત્કાલિક તપાસ શરુ કરી છે જિલ્લાના પુલોની તકલીફજનક સ્થિતિ અને સલામતીના પ્રશ્ર્નને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા છે.
સવારે માંગરોળ નજીકના પુલની મુલાકાત બાદ, સાંજે તેઓએ વંથલી પાસે વાડલા ફાટકથી સરગવાડા સુધીના નેશનલ હાઈવે ઉપર આવેલા કુલ 6 પુલોનું જગ્યા ઉપર જઈ જોઈન્ટ ઇન્સ્પેક્શન કર્યું હતું. કલેક્ટરે જણાવ્યું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે મળીને આ તમામ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પુલોની હાલત અંગે ટેકનિકલ સ્ટ્રેન્થ રિપોર્ટ તાત્કાલિક આપવા સૂચના આપવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, જ્યારે સ્ટ્રેન્થ રિપોર્ટ પ્રાપ્ત થશે, ત્યારપછી જો મરામત કે રિ-ક્ધસ્ટ્રક્શનની જરૂર પડશે, તો એડમિનિસ્ટ્રેશન દ્વારા વૈકલ્પિક માર્ગનું આયોજન કરી જાહેર નોટિસ ઇસ્યૂ કરવામાં આવશે, જેથી ટ્રાફિકને કોઈ તકલીફ ન પડે. આ સ્થળ મુલાકાત દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એસ.ડી.એમ. અન્ય સ્થાનિક અને ટેકનિકલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
60 વર્ષ જુના બ્રિજની તાત્કાલિક ચકાસણી: સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનાઓ આપી
જૂનાગઢ જિલ્લાના વંથલી, માણાવદર અને બાંટવા વચ્ચે આવેલા અંદાજે 60 વર્ષ જૂના મેજર બ્રિજ પ્રકારના સ્ટીલ ગર્ડર અને સ્ટીલ ફ્રેમ ટાઈપના પૂલનું જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ બ્રિજની લંબાઈ આશરે 91.50 મીટર અને પહોળાઈ 7.10 મીટર જેટલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પૂરાં પાડવા યોગ્ય તમામ મરામત કાર્યોને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે, જેમાં પુરાણાં પૂલો અને રસ્તાઓના તાત્કાલિક નિરીક્ષણ અને મરામતનો પણ સમાવેશ થાય છે. કલેક્ટરે સ્થળ પર જઈ બ્રિજની તાંત્રિક સ્થિતિ અંગે માહિતી મેળવી હતી તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, તમામ જૂના પૂલોનું સમયસર ઇન્સ્પેક્શન કરવું, જરૂર જણાય ત્યાં તાત્કાલિક રિપેર કાર્ય હાથ ધરવું, અને રોડ સેફટી ગાઈડલાઈન્સ મુજબ પગલાં લેવા આ નિરીક્ષણ સમયે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) જૂનાગઢના કાર્યપાલક ઇજનેર ડી.કે. નાઘેરા, નાયબ કાર્યપાલક ઇજનેર વી.એ. ગોસ્વામી, સેકશન ઓફિસર કે.એલ. વદર, તેમજ વંથલીના પ્રાંત અધિકારી ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.