142 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા, ઓબ્ઝર્વર પણ નિયુક્ત
ખાસ-ખબર સંવાદદાતા
યુનિવર્સિટીના ત્રીજા સેમેસ્ટરના 57,495 વિદ્યાર્થીની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 142 પરીક્ષા કેન્દ્ર પર ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ એક્સટર્નલના 17,440 વિદ્યાર્થી, બીએ રેગ્યુલરના 15,257 વિદ્યાર્થી, બીસીએ સેમેસ્ટર-3ના 5627 વિદ્યાર્થી, બીએના 3188, બીબીએના 3397, એમ.કોમ રેગ્યુલરના 1623 અને એક્સટર્નલના 2895, એલએલબીના 2044, બીએસસીના 2488 સહિત કુલ 57,495 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નવરાત્રિ પૂરી થતાં જ કોલેજિયન યુવાનો હવે પરીક્ષામાં ધ્યાન કેન્દ્રિત કરશે. 23મીએ નોરતા અને 24મીએ દશેરાની ઉજવણી બાદ 26મીથી યુનિવર્સિટીના જુદા જુદા 31 કોર્સના 57,495 વિદ્યાર્થીની આજથી પરીક્ષા શરૂ થઇ રહી છે. 142 જેટલા કેન્દ્રમાં લેવાનાર પરીક્ષા માટે દરેક કેન્દ્રો પર યોગ્ય સુવિધા-વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે આચાર્યોને આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષાનું સીસીટીવી કેમેરાથી પણ ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે.