ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજા અને બી.ટી.ગોહિલની રાહબરીમાં પીએસઆઈ એ.એસ.ગરચર અને ટીમે આરોપીને દબોચી કાયદાનું ભાન કરાવ્યું
વ્યાજે લીધેલા નાણાં ભાઇએ સમયસર તમામ રકમ એઝાઝની પત્ની મિતલને ચૂકવી આપ્યા હતા, પરંતુ એઝાઝ અને મિતલના છૂટાછેડા થઈ જતા હકુભાનો દીકરો મીરઝાદ તેના પરિચિતો અલી, ઇકબાલ ઘરે આવી ઉઘરાણી કરતા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં કાયદો-વ્યવસ્થા કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ ગુનેગારો બેખોફ બની વારંવાર ગુના આચરી રહ્યાં છે. ત્યારે આવા જ એક વધુ બનાવમાં અગાઉ અનેક વખત ગંભીર ગુના આચરી પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત શખ્સે વ્યાજ સહિતની રકમ વસૂલી લેવા છતાં વધુ નાણાં પડાવવા ખોટી ઉઘરાણી કરી એક પરિવારની મહિલા, તેના પુત્ર અને બે તરુણવયની ભાણેજને બળજબરીથી કારમાં ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ કુખ્યાત શખ્સે મહિલાની નજર સામે તરુણવયની ભાણેજ પર બે વખત દુષ્કર્મ આચરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું હતું. મહામહેનતે મહિલા દુષ્કર્મનો ભોગ બનેલી ભાણેજ સહિતનાઓને લઈ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહી હતી. ત્યાર બાદ મામલો પોલીસમાં પહોંચતા બી ડિવિઝન પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોક્સો,, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કુકર્મ આચરનાર કુખ્યાત આરોપી હકુભા ખિયાણી, પુત્ર મીરજાદ અને જુમા હાસમ ઠેબાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની સૌથી મોટી બહેનના પતિને દારૂ પીવાની ટેવ હોય બહેન ચાર વર્ષથી તેના સંતાનોને લઈ માતા અને સૌથી નાના ભાઇ સાથે રહે છે. દરમિયાન એક વર્ષ પહેલાં તેના ભાઇએ ભિસ્તીવાડમાં રહેતા નામચીન હકુભાના પુત્ર એઝાઝ ખીયાણીની પત્ની મિતલ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના જામીનમાં રિસામણે આવેલી બહેન થઈ હતી. વ્યાજે લીધેલા નાણાં ભાઇએ સમયસર તમામ રકમ એઝાઝની પત્ની મિતલને ચૂકવી આપ્યા હતા, પરંતુ એઝાઝ અને મિતલના છૂટાછેડા થઈ જતા હકુભાનો દીકરો મીરઝાદ તેના પરિચિતો અલી, ઇકબાલ ઘરે આવી ઉઘરાણી કરતા હતા. ત્યારે ભાઈએ મિતલને રકમ ચૂકવી આપ્યાનું જણાવતા મીરઝાદ કહેતો કે, તમે મિતલને પૈસા આપ્યા છે. હવે એ રૂપિયા અમને આપવાના છે. તેમ કહીને અવારનવાર ધમકી આપતા
રહેતા હતા. નવરાત્રિ સમયે હકુભા અને તેનો દિકરો મીરઝાદ માતાના ઘરે આવી બહેનની 17 વર્ષની દીકરીની છેડતી કરી ધમકી આપી હતી. જે ત્રાસથી કંટાળી ભાણેજે ઝેરી દવા પી લીધી હતી. જે બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન બે દિવસ પહેલાં પોતે પોતાના પુત્ર સાથે માતાના ઘરે બહેનની દીકરીઓ સાથે હતી. ત્યારે હકુભા અને એઝાઝની પત્ની સોની, મીરઝાદ માતાના ઘરે આવ્યા હતા અને અમારા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા અને ફરિયાદ પાછી નહિ ખેંચે તો આ છોકરી પર બળાત્કાર કરીશ તેમ કહી હકુભા સહિતનાઓ ત્યાંથી જતા રહ્યાં હતા. બાદમાં શનિવારે સવારે પોતે માતાના ઘરે હતી ત્યારે હકુભા અને એક અજાણ્યો શખ્સ ઘરે આવ્યા હતા અને તમે જે ફરિયાદ કરી છે તે મુદ્દે આપણે સમાધાન કરવું છે, તમે ફરિયાદ પાછી ખેંચી લ્યો, અમે તમને હેરાન નહિ કરીએ તેમ કહી ધમકાવવા
લાગ્યા હતા. ત્યાર બાદ હકુભા તેમજ અજાણ્યા શખ્સે બળજબરીથી પોતાને તેમજ બહેનની બંને દીકરી, પોતાના પુત્રને કારમાં બેસાડી દીધા હતા. કારમાં સળીયો બતાવી ધમકાવી ચૂપ કરી દીધા હતા. કાર ભગવતીપરા સુખસાગર સોસાયટીથી થોડે આગળ એક વાડીમાં લઈ ગયા હતા. જ્યાં પહોંચતા હકુભાએ પોતાને તેમજ બહેનની 14 વર્ષની પુત્રીને કારમાંથી નીચે ઉતાર્યા હતા. જ્યારે પોતાના પુત્ર અને અન્ય એક ભાણેજને કારમાં બેસાડી રાખ્યા હતા. નીચે ઉતાર્યા બાદ હકુભાએ તેમજ અજાણ્યા શખ્સે માસી- ભાણેજને માર માર્યો હતો. જે મારને કારણે 14 વર્ષીય ભાણેજ અર્ધબેભાન થઈ ગઈ હતી. ત્યારે હકુભાએ જમીન પર ફસડાઇ પડેલી તરુણવયની ભાણેજ પર પોતાની નજર સામે દુષ્કર્મ આચર્યું હતું. હકુભાને અનેક વખત આવું નહિ કરવા કરગરી હતી. હકુભાએ દુષ્કર્મ આચર્યા બાદ તેના દિકરા મીરઝાદને ફોન કરી હું તરુણીને અને તેની માસીનું અપહરણ કરી આવ્યો છું, તું ભગવતીપરાના ડેલાની ચાવી લઇને આવી જા કહ્યું હતું. બાદમાં હકુભા ફરી કારમાં બેસાડી ભગવતીપરા રેલવે ટ્રેક પાછળ આવેલા તેના ડેલે લઈ ગયા હતા. જ્યાં મીરઝાદ, એઝાઝની પત્ની સોની ઊભા હતા. ચાવીથી ડેલાનું તાળું નહિ ખૂલતાં હકુભાએ તાળું તોડી નાંખી ડેલાની અંદર લઇ ગયા હતા. થોડી વાર પછી હકુભાની પત્ની ખતુ પણ આવી પહોંચી હતી. ત્યાર બાદ હકુભાએ 14 વર્ષીય ભાણેજ સાથે ફરી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. આ સમયે મીરઝાદે જોયું ને અમારા વિરુદ્ધ ફરિયાદ કરવાનું પરિણામ કેવું આવ્યું, તેમજ એઝાઝની પત્નીએ અમારા ઘરના સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લેજો નહિતર બધાના આવાજ હાલ થશે. હકુભાની પત્નીએ પણ ધમકી દઈ આ તો હજુ શરૂઆત હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ હકુભાએ મીરઝાદ, સોની અને પત્ની ખતુને જતા રહેવાનું કહ્યું હતું. ત્યાર પછી હકુભા ફરી ભાણેજને ડેલામાં રહેલી રૂમની અંદર લઈ ગયો હતો અને બીજી વખત દુષ્કર્મ આચર્યું હતું. હકુભા સૂઇ ગયા બાદ રૂમમાંથી બહાર આવેલી ભાણેજે આવી વાત કરી હતી. હકુભા સૂઇ ગયો હોવાનું જાણી અજાણ્યા શખ્સને ચકમો આપી પોતે બંને ભાણેજ અને પુત્રને લઈને ત્યાંથી ભાગી નીકળ્યા હતા અને ઓટો રિક્ષામાં ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી પતિને બનાવની જાણ કરી હતી. બનાવ અંગેની ફરિયાદ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી, ડીસીપી (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાએ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવાની આપેલ સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા અને બી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર અને ટીમે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નામચીન અકબર ઉર્ફે હકુભા અબ્દુલ ખીયાણી (ઉ.વ.63),(રહે. ભીસ્તીવાડ શેરી નં. 1, જંક્શન પ્લોટ), મીરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણી (ઉ.વ.37),(રહે. ભીસ્તીવાડ શેરી નં. 1, જંક્શન પ્લોટ) અને જુમા હાસમ ઠેબા (ઉ.વ.50) (રહે.ભગવતીપરા, ધોરીયા પુલની બાજુમાં, મીંયાણાવાસા) ને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.