સારવાર અર્થે ખસેડતા આરોગ્ય કેન્દ્રમાં બેડ ખૂટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
માથાસુરિયા ગામે સોલંકીની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તાલાલાના લાડુડી ગામેથી જાન આવી હતી. સાંજના સમયે લગ્ન પ્રસંગના જમણવાર બાદ અચાનક માંડવિયા અને જાનૈયાઓની ઝાડા-ઊલટીની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. જેથી 250થી વધુ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માથાસુરિયા ગામના સરપંચ જીવાભાઇ સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, માથાસુરિયા ગામે મશરીભાઇ મીઠાભાઈ સોલંકીની દીકરીનો લગ્ન પ્રસંગ હતો અને તાલાલા તાલુકાના લાડુડી ગામેથી જાન આવી હતી. ગત સાંજના લગ્ન પ્રસંગના જમણવાર બાદ માંડવિયા અને જાનૈયાઓને અચાનક ઝાડા-ઊલટી થવા લાગ્યાં હતાં.
જેથી ફૂડ પોઇઝનિંગના અસરગ્રસ્ત વ્યક્તિઓને કોડીદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાવવામાં આવી હતી. એકસાથે ફૂડ પોઈઝનિંગના દર્દીઓ આવી પડતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા અને તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાંકડા ઉપર અને જમીન ઉપર લોકોને સારવાર આપવાની ફરજ પડી હતી. સદનસીબે તમામ લોકો હાલ ભયમુક્ત છે અને તમામની તબિયત તંદુરસ્ત હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ જમણવારમાં છાસમાં કોઈ ઝેરી અસર હોવાના કારણે તમામ લોકોને અસર પહોંચી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. ફૂડ વિભાગના અધિકારી પીયૂષ સાવલિયાના જણાવ્યા મુજબ, હાલ લગ્ન પ્રસંગના જમણવારમાં રાખેલા શીખંડ અને છાસના સેમ્પલ લઈ લેબ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યાં છે. પ્રાથમિક અનુમાન મુજબ છાસ અને શીખંડ સાથે ખાવાથી ક્રોસ પોઇઝનિંગ થયું હોય શકે.