ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદન ઘટાડવાનું કરાતું આયોજન
ડાયમંડમાં ડિમાન્ડના અભાવે વેપાર એકદમ સામાન્ય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુરતા હીરાઉદ્યોગમાં હાલ મંદીને લીધે ઓવર પ્રોડક્શનની સમસ્યાને ટાળવા માટે કેટલાક ઉદ્યોગકારો જન્માષ્ટમી પર એક અઠવાડિયા સુધીનું વેકેશન પડે તે માટેનું આયોજન કરી રહ્યા છે. સામાન્ય રીતે જન્માષ્ટમી પર બેથી ચાર દિવસનું વેકેશન રહે છે, પરંતુ હાલ વેપાર નબળો હોવાથી કેટલાક કારખાનેદારો સાત દિવસ સુધી કારખાનાંઓ બંધ રાખે તેવી શક્યતા જોવાઇ રહી છે. હીરાઉદ્યોગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ નેચરલ ડાયમંડમાં હાલ ડિમાન્ડના અભાવે વેપાર એકદમ સામાન્ય છે. રફ હીરાની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે, જ્યારે પોલિશ્ડ હીરાની કિંમત સ્થિર રહી છે. જેને લીધે ઉદ્યોગકારોને નુકસાન થઇ રહ્યું છે. મોટી સંખ્યામાં હીરાઉદ્યોગકારો રત્નકલાકારોને સાચવવા માટે સીવીડીનું કામ કરી રહ્યા છે. જોકે તેમ છતાંય પરિસ્થિતિ ખૂબ સારી નથી. આ દરમિયાન આગામી 7 તારીખે જન્માષ્ટમી છે. ત્યારે, કેટલાક હીરાઉદ્યોગકારો દ્વારા એક અઠવાડિયા સુધીનું વેકેશન રાખવા માટેની વિચારણા ચાલી રહી છે. હીરાઉદ્યોગકારોનું કહેવું છે કે સામાન્ય સંજોગોમાં જન્માષ્ટમી પર 2થી 4 દિવસની રજા હોય છે પણ આ વખતે મંદી હોવાથી પ્રોડક્શન ઘટાડવા માટે કેટલાક લોકો પાંચથી સાત દિવસ સુધી વેકેશન રાખવાનું મન બનાવી રહ્યા છે.
સાત દિવસનું વેકેશન રાખીશું
હીરાઉદ્યોગકાર ચંદુ શેટાએ જણાવ્યું છે કે હાલ મંદીના લીધે પોલિશ્ડ હીરાનું વેચાણ ઘટી ગયું છે. માલનો ભરાવો કરવા કરતા ઉત્પાદનમાં ઘટાડો કરી પરિસ્થિતિ સાચવી લેવાની જરૂર છે. જેને લીધે જન્માષ્ટમી પણ હું મારા કારખાનામાં એક અઠવાડિયાનું વેકેશન રાખીશું. મોટાભાગના નાના કારખાનાંઓમાં વેકેશનના દિવસો વધારવામાં આવે તેવી શક્યતા છે.
હીરાઉદ્યોગકારો તેમની ક્ષમતા અનુસાર કામ કરશે
સુરત ડાયમંડ એસોસિયેશનના દામજી માવાણીએ જણાવ્યું છે કે હીરાઉદ્યોગકારો તેમના વેપારની ક્ષમતા પ્રમાણે કામ કરશે. જે ઉદ્યોગકારોને ઉત્પાદન ઘટાડવું છે તેઓ સાત દિવસ સુધી વેકેશન રાખી શકે છે જ્યારે અન્ય ઉદ્યોગકારો તેમની વ્યવસ્થા પ્રમાણે કામ કરશે. પોત-પોતાની ક્ષમતા અનુસાર ઉદ્યોગકારો નિર્ણય લેશે.