સાત રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્રને રેલ પ્રોજક્ટના વિસ્તરણ અને નવા બાંધકામ માટે 16 દરખાસ્તો મોકલી
ખાસ-ખબર સંવાદદાતા
વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલા રેલ પ્રોજેક્ટ માટેના દરખાસ્તની માહિતી આપતા કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, તેમને આવી 16 દરખાસ્ત મળી છે, પરંતુ તેમાંથી એક પણ ગુજરાતની નથી. ’દરખાસ્તની શક્યતા અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે, કેન્દ્ર સરકાર શહેરો તથા શહેરી સમૂહમાં આવા પ્રોજેક્ટને ધ્યાનમાં લે છે’, તેમ હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભંડોળ માટે કોઈ નવી મેટ્રો રેલ દરખાસ્ત રજૂ કરવામાં આવી નથી.
લોકોને ઝડપી અને સ્વચ્છ શહેરી પરિવહન વ્યવસ્થા પૂરી પાડવાના હેતુ સાથે, સાત રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્રને મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણ અથવા નવા બાંધકામ માટે 16 દરખાસ્તો મોકલી છે.
10મી ફેબ્રુઆરીએ હરદીપ સિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, શહેરી પરિવહન એ શહેરી વિકાસનો અભિન્ન અંગ છે અને મેટ્રો રેલ પ્રોજેક્ટ સહિતની શહેરી પરિવહન માળખાકીય સુવિધાઓ શરૂ કરવી, વિકસાવવી અને ભંડોળ પૂરુ પાડવાની જવાબદારી સંબંધિત રાજ્ય સરકારોની છે, કેન્દ્ર સરકાર મેટ્રો રેલ પોલિસી, 2017 હેઠળ આવા પ્રોજેક્ટને નાણાકીય સહાય આપે છે.
- Advertisement -
માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરતમાં પણ મેટ્રોની કામગીરી શરૂ થઈ છે. જો કે, હજી ત્યાં 5 ટકાથી પણ ઓછું કામ થયું છે. સુરતમાં 2024માં મેટ્રો ટ્રેન દોડતી થાય તેવી શક્યતા છે.