ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં રખડતા ઢોર ઢાખરોનો ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. એવા સમયે રાજ્ય સરકારે ઢોર ઢાખરોનો ત્રાસ દૂર કરવા અંગે કાર્યવાહી કરવા પાલીકાઓ માટે એક માર્ગદર્શીકા જાહેર કરી અમલ કરવા સૂચના આપી હતી. જેને લઈ જોડીયા શહેરને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તેમ લાંબા સમય બાદ જોડીયા શહેરમાં રખડતાં ઢોરોને પકડવાની કામગીરી પાલીકા તંત્ર નિયમિત કરતું રહે તેવી લોક લાગણી ઉઠી છે.
રખડતા ઢોરોની સમસ્યા ઉકેલવા ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જે ઝુંબેશ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથે પાલિકાની ટીમોએ કુલ 145 રખડતા ઢોર-પશુઓને પકડી ને ગૌશાળામાં મોકલી દેવામાં આવેલા છે. આ ઉપરાંત જોડીયા શહેરમાં જાહેર સ્થળો અને માર્ગો ઉપર ઘાસચારાનું વેંચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી હવેથી ન વેંચવા કડક તાકીદ કરી છે. શહેરી વિસ્તારમાં પશુઓનું પાલન કરતા પશુપાલકોને સરકારની સૂચના મુજબ રજીસ્ટ્રેશન કરાવી લેવા કડક તાકીદ કરવામાં આવી છે. આવું નહીં કરવામાં આવે તો દંડકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
વેરાવળ પાટણ નગરપાલિકા દ્વારા 145 રખડતાં પશુને પકડી ગૌશાળામાં મોકલી આપ્યા
