ભાઈ-બહેન સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના શીતલ પાર્ક પાસે ઓફિસ ખોલી શેરબજારમાં રોકાણ કરી સારું એવું વળતર ચૂકવવાની લોભામણી લાલચ આપી એડવોકેટ સહિતના લોકોને શિકાર બનાવી 14.80 લાખની છેતરપિંડી કરી નાસી ગયાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવતા આરોપી ભાઇ-બહેનની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કાલાવડ રોડ પાસે રોયલ પાર્કમાં સેટ્રોસારોયલ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ સંજયભાઇ ધીરૂભાઇ ભેંસાણિયાએ અક્ષરનગરમાં રહેતા કલ્પેશ પ્રદ્યુમ્નભાઇ ત્રિવેદી અને તેની બહેન અલ્પા અમિતભાઇ ત્રિવેદી સામે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2022 નવેમ્બરમાં બ્યૂ ફાર્મા કંપનીમાંથી ફોન આવ્યો હતો અને શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા માટે સમજાવ્યા હતા બાદમાં ત્રણેક દિવસ બાદ કંપનીના મનીષભાઇ મારી ઓફિસે મળવા આવ્યા હતા અને શેરબજારમાં રોકાણ કરવાથી સારું વળતર આપવાની વાત કરી હતી. બાદમાં તેની કંપનીમાં રોકાણ કરેલ કોઇ વ્યક્તિના એગ્રીમેન્ટ બતાવવા માટે વાત કરી હતી અને તમારી કંપનીના ઓર્નરને મળવાની વાત કરતા તેને ત્રણેક દિવસ બાદ કલ્પેશ ત્રિવેદી તથા મનીષ ટેવાણી તેની ઓફિસે આવ્યા હતા અને એગ્રીમેન્ટની નકલ બતાવી હતી.
- Advertisement -
કલ્પેશભાઇ અને તેના બહેન અલ્પાબેન કંપનીના ઓનર હોવાની વાત કરી હતી. બાદમાં શીતલ પાર્ક પાસેની ઓફિસે ગયા હતા અને 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહ્યું હતું. બાદમાં તેને ચેક મારફતે રૂપિયા આપ્યા હતા. એક વર્ષ રોકાણ કરવાનું નોટરાઇઝ લખાણ કરાવેલ હતું. બાદમાં માસિક રૂ.25 હજાર ચૂકવશે તેવી વાત કરી હતી તેને વળતરના રૂ.4.80 લાખ લેવાના થતા તેને વાત કરતા કલ્પેશભાઇએ રૂ.4.50 લાખનો ચેક આપ્યો હતો. બાદમાં તપાસ કરતા ભાઇ-બહેન રોકાણ કરાવતા અને મનીષ ગ્રાહક શોધી લાવતો હતો પરંતુ રોકાણકારને પૈસા પરત ન કરતા હોવાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.