શેરબજારમાં બ્લેક મન્ડેનો ઘાટ : તમામે તમામ શેરોમાં આક્રમણકારી વેચવાલીથી ગાબડા : ડોલર સામે રૂપિયો 18 પૈસા તૂટયો
મુંબઇ શેરબજારમાં આજે ગભરાટ ભરી આક્રમણકારી વેચવાલીથી મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને સેન્સેકસમાં પ્રારંભિક કલાકમાં જ 1290 પોઇન્ટનો કડાકો સર્જાઇ ગયો હતો. હેવીવેઇટ શેરોમાં વેચવાલીનો મારો હતો. શેરબજારમાં શરૂઆત જ ગેપ ડાઉન રહી હતી. અનેકવિધ ગભરાટ સર્જનારા કારણોની અસરે આક્રમણકારી વેચવાલીનો મારો શરૂ થઇ ગયો હતો.
રશિયા-યુક્રેન યુધ્ધ ત્રીજા વિશ્વ યુધ્ધમાં પરિવર્તિત થવાની ચેતવણીથી ગભરાટ ઉભો થયો હતો. આ સિવાય ચીનમાં વધતા કોરોનાના કહેરથી ફરી વખત વૈશ્વિક અર્થતંત્રને અસર થવાની આશંકાએથી માનસ નબળુ પાડયું હતું. વિદેશ નાણાં સંસ્થાઓની એકધારી વેચવાલીથી દબાણ વધતું રહ્યું હતું. ભારતમાં વધતી મોંઘવારીથી વ્યાજદર વધારાનું દબાણ સર્જાશે અને કેટલીક બેંકએ તો તેની તૈયારી શરૂ કરી દીધાના સંકેતોથી માનસ વધુ ખરડાયું હતું.
- Advertisement -
આ સિવાય ડોલર સામે ભારતીય રૂપિયો સતત ઘટવા લાગતા તેની પર અસર વર્તાઇ હતી. ડોલર સામે રૂપિયો ગગડીને આજે 76.36 સાંપડયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે સ્વદેશી તથા વૈશ્વિક ઘટનાક્રમો વિરૂધ્ધમાં છે અને તેના કારણે માર્કેટ સતત ઘટી રહ્યું છે. હજુ વોલાટીલીટીનો તબકકો દુર થાય તેમ નથી. શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ગાબડા પડયા હતા ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઇન્ફોસીસ, એચડીએફસી, બજાજ ફિન્સ સર્વિસ, ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસ ઇન બેંક, કોટક બેંક, લાર્સન, રિલાયન્સ, સ્ટેટ બેંક વગેરે તૂટયા હતા. મંદી બજારે પણ એનટીપીસી, ટાટા સ્ટીલ, ઓલ ઇન્ડીયા જેવા કેટલાક શેરો મજબુત હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 1250ના ગાબડાથી 57085 સાંપડયો હતો. જે ઉંચામાં 57420 તથા નીચામાં 57048 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 331 પોઇન્ટના કડાકાથી 17144 હતો જે ઉંચામાં 17237 તથા નીચામાં 17129 હતો.


