ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર તાલુકામાં પૈસાની ઉઘરાણીના મામલે એક યુવકનું કારમાં અપહરણ કરીને માર મારવામાં આવ્યો અને તેની પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ વિગત પ્રમાણે ફરિયાદી પોરબંદર જિલ્લાના ગરેજ ગામના રહેવાસી ખીમાભાઈ કાનાભાઈ રાઠોડે ત્રણ વર્ષ પહેલા હંટરપુર ગામના વિનોદ મોઢા પાસેથી રૂ.1 લાખ હાથ ઉછીના લીધા હતા. જયારે તાજેતરમાં ખીમાભાઈ માણાવદરના નાનડિયા ગામે એક તબેલામાં ચારો જોવા ગયા હતા, ત્યારે મીતી ગામના સુભાષ મેર, સોનાના દાંતવાળો ભીમાભાઈ, હંટરપુરનો વિનોદ મોઢા, બગસરાનો પ્રતાપ ટીંબા, અને કાર ચાલક ભાવેશ ત્યાં આવ્યા હતા. તેઓએ ખીમાભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરી અને તેમને ધમકી આપીને સફેદ કલરની કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.
- Advertisement -
અપહરણ બાદ આરોપીઓ ખીમાભાઈને સીતાણા અને ભાથરોટ લઈ ગયા, જ્યાં તેમને ઢીકાપાટુ અને પટ્ટા વડે માર માર્યો. ત્યારબાદ, તેઓ ખીમાભાઈને બગસરા લઈ ગયા અને તેમની પાસેથી રૂ. 90,000 ટ્રાન્સફર કરાવી લીધા. આ ઉપરાંત, બાંટવા ખાતેની અમિત પાનની દુકાને રૂ.15,000 મૂકાવીને વધુ રૂ 30,000ની માંગણી કરી હતી. આ અંગે, ખીમાભાઈ રાઠોડે બુધવારે ફરિયાદ નોંધાવતા માણાવદરના પીઆઈ ડી.આર. પારગીએ વધુ તપાસ હાથ ધરી છે.