સ્ટેજ નજીક ટોળું એકઠું થયા બાદ પોલીસ અને ટોળાં વચ્ચે ઘર્ષણ સર્જાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપાના 51માં સ્થાપના દિવસ નિમિતે મંગળવારે રાત્રે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડમાં મ્યુઝિકલ નાઈટનું આયોજન કરાયું હતું. બોલિવૂડ સિંગર અમાલ મલિક, નીકિતા ગાંધીએ રાજકોટવાસીઓને ડોલાવ્યા હતા. ચાલુ કાર્યક્રમ દરમિયાન યુવકોનું એક ટોળું સ્ટેજ નજીક ધસી આવતા ઉપસ્થિત પોલીસ જવાનોએ તેને દૂર કરવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું હતું. જેના કારણે ચાલુ કાર્યક્રમમાં જ બોલિવૂડ સિંગર અમાલ મિલકે સંગીતના તાલે ઉપસ્થિત લોકોને શાંતિ રાખવા અપીલ કરવી પડી હતી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ડીએચ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સ્ટેજ ઉભું કરાયું હતું. જેના ઉપર અમાલ મલિક અને નિકિતા ગાંધીએ વિવિધ બોલીવુડ ગીતો ગાઈને સંગીતમય માહોલ ખડો કર્યો હતો. યુવાવર્ગ મોટી સંખ્યામાં સ્ટેજ નજીક પહોંચી ગયો હતો અને અમાલ તેમજ નિકિતાનાં મધુર કંઠથી ગવાયેલા જાણીતા બોલીવુડ ગીતોનો આનંદ માણ્યો હતો. સંગીતપ્રેમી યુવાવર્ગે સિટી અને ચીસો પાડી આ કલાકારોને વધાવ્યા હતા. અમાલ મલિકે ગાયેલા ’રોકે નાં રૂકે નૈના’ તેમજ ’કૌન તુજે’ અને ’બોલ દોનાં જરા’ સહિતનાં ગીતો લલકારતા યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા. તો નિકિતા ગાંધીએ ’એક તેરે પ્યારમે’ તેમજ ’જુગનુ’ સહિતના ગીતો ગાઈને રાજકોટિયન્સોના દિલ જીતી લીધા હતા.
રાત્રીના 10 વાગ્યા આસપાસ મ્યુઝિકલ નાઇટમાં હોબાળો થયો હતો. જેમાં ટોળું સ્ટેજની નજીક આવી જતા પોલીસે તેને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે આ અંગેની જાણ થતાં ત્યાં હાજર સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દોડી ગયા હતા. અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. બોલીવુડ સિંગર અમાન મલિકે પણ લોકોને ન્યૂસન્સ નહીં કરી બેસી જવા માટે સ્ટેજ પરથી અપીલ કરવી પડી હતી.
મનપા દ્વારા આયોજીત બોલીવુડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધીની મ્યુઝીકલ નાઈટનાં આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, તમામ ધારાસભ્યો અને મનપા પદાધિકારીઓ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમજ ઉદ્યોગ, સાહિત્ય, મેડિકલ, સેવા, શિક્ષણ, લોકસાહિત્ય અને નાટ્યક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર રાજકોટ શહેરનાં 9 મહાનુભાવોને પ્રતિષ્ઠિત મેયર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રંગોળી સ્પર્ધાનાં વિજેતાઓને પણ પુરસ્કાર આપવામાં
આવ્યા હતા.
- Advertisement -
મેયર એવોર્ડ મેળવનારાઓનાં નામ અને પરિચય
પરાક્રમસિંહ જાડેજા : ઉદ્યોગ ક્ષેત્ર, જયોતિ સીએનસી, 46 વર્ષનો અનુભવ, કેન્દ્ર અને રાજય સરકારના એવોર્ડ
લક્ષ્મીબેન ડોબરીયા : સાહિત્ય ક્ષેત્ર, ગીત-ગઝલ, કાવ્ય, લેખન કાર્ય, વિવિધ સન્માન
દિલીપભાઇ સખીયા : પ્રમુખ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, પાણી બચાવો અભિયાન
કિશોરભાઇ રાઠોડ : સેવા ક્ષેત્ર, પુરૂષાર્થ યુવક મંડળ, મેડીકલ સહિતના સેવા કેન્દ્રો
હરિશભાઇ હરિયાણી : સેવા ક્ષેત્ર, જય સીયારામ મિત્ર મંડળ, દાંતણ વિતરણ, અબોલ જીવોની સેવા
હેલીબેન(ડો. અલ્પનાબેન) ત્રિવેદી : શિક્ષણ ક્ષેત્ર, મહાત્મા ગાંધી ટ્રસ્ટ, 26 શાળા, કોલેજોના સંચાલન
ધીરૂભાઇ ધાબલીયા : ગાંધી વિચારધારા, સહકારી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં યોગદાન
નિર્લોકભાઇ પરમાર : નાટય ક્ષેત્ર, નાટકોને રાજય અને રાષ્ટ્રીય એવોર્ડ, વડાપ્રધાનના હસ્તે સન્માન
હેમંતભાઇ ચૌહાણ : લોકસાહિત્ય અને ભજનીક, પદ્મશ્રી સહિતના એવોર્ડથી બહુમાન