સામાન્ય ધંધાર્થીઓના ઘરમાં પણ દિવળા પ્રગટાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ રેંકડી – પાથરણાધારકો પાસેથી મોટાપાયે દિવાળીની ખરીદી કરી
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી નિમિતે ધનિક હોય કે સામાન્ય દરેક લોકો પોત પોતાના આર્થિક માપદંડને ધ્યાને રાખી અનેક ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. હાલમાં મોટા શોરૂમ, શોપિંગ મોલમાં ખરીદીનો જબરો ક્રેઝ છે ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા કે રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ વેચતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી લોકો ખરીદી કરીને તેમના ઘરમાં દિવાળીના દીપ પ્રગટાવે એ હેતુથી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે આ નાના માણસો પાસેથી શોપિંગ કરવાનું અનેરું અભિયાન ચલાવ્યું હતું. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળી નિમિતે સામાન્ય વર્ગના વેપારીઓના મનમાં પણ દિવાળીની રોનક ખીલવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં દિવાળી નિમિતે શહેરના નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં ઘણા સામાન્ય માણસો પાથરાણા પાથરીને દિવડા-કોડિયા, ફુલહાર તોરણ, ઘર સુશોભનની સહિતની અનેક નાની-મોટી ચીજવસ્તુઓનો વેપાર કરે છે તેમજ અમુક સામાન્ય વર્ગના લોકો રેકડી કે કેબિનમાં વસ્તુઓ વેચે છે ત્યારે આવા નાના વર્ગના માણસોનું ખમીર જળવાઈ રહે તેમજ તેમને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના પરિવાર માટે કોઈ શોપિંગ મોલ કે મોટા શો રૂમને બદલે આવા પાથરાણાવાળા લોકો પાસેથી દિવાળીનું શોપિંગ કર્યું હતું. એટલું જ નહીં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ નાના વર્ગના માણસો પાસેથી બજારભાવે તમામ માલને ખરીદી લીધો હતો જેથી દિવાળી ફળી જતા એ લોકોના ચહેરા પર દિવાળીની ખુશીઓની કોઈ સીમા રહી ન હતી.