પ્રિય જિંદગી,
પાંપણનાં દરેક પલકારા તારી પ્રતીક્ષામાં આકુળ વ્યાકુળ રહ્યાં કરે છે. આંખો સપના જોવાથી સ્હેજ પણ થાકતી નથી કે સપનાનો ભાર ઝીલવામાં ગભરાતી નથી. હરખનાં આંસુ પાંપણને ભીંજવીને પાવન કરે છે. એ આંસુ તારા હોવાનો તરજૂમો છે, જેને વારે વારે વાંચવો, ઘૂંટવો, બોલવો મને બહું ગમે છે. હું તારામાં ઓતપ્રોત થઈ સતત તને જીવી રહ્યો છું. તારા નેઈલ પોલિશ કરેલાં નખ મને ત્યારે વધારે સુંદર લાગે છે જયારે નેઈલ પોલિશનો અડધો કલર ઉતરી જાય. સ્નિગ્ધ કૌમુદી જેમ તારા વધેલાં નખનો રળિયામણો હિસ્સો મને તારી નજીક આવવા લલચાવે છે. મારી ત્વચાને પણ તારા નખ સાથે ગોઠી ગયું છે. આખો ચહેરો ઢાંકી દઈ, ફક્ત એક અધઢાંકેલી આંખથી તારું સતત મારી સામે તાકી રહેવું મને વશીકરણવિદ્યા જેવું લાગે છે. તારી આંખોના એ અતળ ઊંડાણમાં હું ડૂબી જાઉં છું. હું બહું સારી રીતે જાણું છું કે મારું આ રીતે ડૂબી જવું એ ખરાં અર્થમાં તો તરી જવું જ છે. તારા દેહનાં સઘળાં વળાંકો પર હું હળવેથી અટકી જઈ એની નાવિન્યસભર સૃષ્ટિમાં ગૂમ થઈ જાઉં છું પછી હું કયારેય મને ફરીથી પાછો મળી શકતો નથી. આંગળીઓની લયાત્મકતા, આંખોનાં કામણ, કમરની નાજૂક નમણાશ, છાતીનાં પર્વતો વચ્ચે રહેલું ભીનું ભીનું પોલાણ આ બધું જ મારાં અસ્તિત્વની સૃષ્ટિનો જ એક ભાગ છે. તારામાં આવતું સહજ પરિવર્તન મને ડરાવી જાય છે પરંતુ મારી શ્રદ્ધાને એરણ પર ચડાવી જ્ઞાનનાં હથોડાથી ટીપું છું પછી મારાં પ્રેમની જીત થાય છે. જિંદગી! તને યાદ છે ને! હળવેથી મારાં હોઠ તારા કાન પાસે લઈ જાઉં છું અને તારા નામનો ઉચ્ચાર કરું છું પછી લજ્જાથી રતુંબડી બની મને વળગી પડે છે, ત્યારે મારાં રુંવે રુંવે કેફ ચડી જાય છે. તારો નશો મારું વળગણ છે… આદત છે… વ્યસન છે… આ વળગણ તને ભરડો લઈ છાતીથી ભીંસ છે ત્યારે હળવા સીસકારા સાથે તું લજામણી બની જાય છે. તારા આ સીસકારા મારાં મન અને તન બંનેને પાગલ કરી મૂકે છે. હું બધું જ ભૂલી તારામાં ઓગળતો જાઉં છું. ભરડો વધું મજબૂત કરી અજગર જેમ ફૂંફાડા મારી તને મારામાં સમાવી લઉં છું. બારીમાંથી આવતો ઠંડો પવન તારા પરસેવાની સોડમ પર આક્રમણ કરવા મથે છે પરંતુ હું એ પવનની તીવ્રતાને રોકી તારા પરસેવામાં લથબથ થઈ ભીંજાયેલો રહું છું. ઠંડો પવન પણ મારી અંદરની ભીનાશ સામે હારી જઈ પોતાનાં હથિયાર હેઠાં મૂકી મંદ પડી જાય છે. તારું સમગ્ર શરીર મારી જાગીર હોય એમ હું એમાં વિહાર કરું છું. માથાનાં વાળથી છેક પગનાં નખ સુઘી તારા અંગે અંગમાં મારું સામ્રાજ્ય ફેલાયેલું છે. તારા શરીરનું દરેક ક્ષેત્ર મારાં સ્પર્શથી પરિચિત છે. તારા ડાબા હાથની ટચલી આંગળીનો નખ જ્યારે પણ પ્રેમથી મારા બાવડાં સાથે ઘસાય છે ત્યારે ત્યાં માત્ર લોહીની ટશર નથી ફૂટતી પરંતું પ્રેમધોધ વહે છે. મારાં બંને હાથની બધી જ આંગળીઓએ તારા માથાનાં દરેક વાળને છેક મૂળથી પંપાળ્યાં છે. એકદમ લીસ્સા એ તારા વાળમાં મારું દિલ બાળક બની લસરપટ્ટી ખાઈ એકદમ ખુશખુશાલ થઈ જાય છે. તારો હાથ લયાત્મક રીતે મારાં માથા પર ફરતો હોય ત્યારે હું બધો જ થાક વિસરી જાઉં છું. તારી સાથે હોઉં ત્યારે આખું જગત મારું હોય અને હું વિશ્વવિજેતા હોઉંએવું લાગે છે. જિંદગી! આ બધાં જ કારણોને લીધે હું તને ભરપૂર પ્રેમ કરું છું…
સતત તને પ્રેમ કરતો,
જીવ.
(શીર્ષકપંકિત:- વારિજ લુહાર)