ટ્રમ્પે ફરી ભારતને ધમકી આપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી વચન મુજબ મેક્સિકો, કેનેડા અને ચીન પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. હવે તેમણે ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારત અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું.’ નોંધનીય છે કે, અગાઉ તેમણે ભારતને ચેતવણી આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ટેરિફ પોલિસીમાં ફેરફારો કરી રહ્યા છે. આક્રમક ટ્રેડ પોલિસી અપનાવતા ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે, ‘અમે કોઈપણ દેશ પર એ જ ટેરિફ લાદીશું જે દેશ અમેરિકન માલ પર લાદે છે.’ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદ્યા હતા. પરંતુ તેમણે મેક્સિકો અને કેનેડાને એક મહિનાનો સમય આપ્યો હતો. આ એક મહિનાનો સમયગાળો પૂરો થવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ટેરિફ અંગે ચર્ચા થઈ. ભારતે અમેરિકાથી આયાત થતી અમેરિકન વ્હિસ્કી જેવી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડી દીધો હતો. ભારતે સુપર અમેરિકન બાઇક હાર્લી ડેવિડસન પર પણ ટેરિફ ઘટાડ્યો હતો. પછી એવું લાગતું હતું કે ટ્રમ્પની કડક ટેરિફ નીતિથી ભારતને રાહત મળશે. પરંતુ આવું થતું હોય તેવું લાગતું નથી. ટ્રમ્પે ફરી એકવાર ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે.
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમે ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લગાવવાના છીએ. જે અમારી પાસેથી ચાર્જ વસૂલ કરે છે, અમે તેમની પાસેથી ચાર્જ વસૂલ કરીશું. પછી ભલે તે કંપની હોય કે દેશ, જેમ કે ચીન અને ભારત. અમે ન્યાયી બનવા માંગીએ છીએ, તેથી યુનાઇટેડ સ્ટેટ્સ પણ એ જ ટેરિફ લાદશે જે ભારત અને ચીન જેવા અન્ય દેશો અમેરિકન માલ પર લાદે છે.’
અમેરિકન પ્રમુખે એ પણ ખુલાસો કર્યો કે, ‘મારા પહેલાં કાર્યકાળ દરમિયાન જ ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવા માંગતા હતા, પરંતુ ત્યાં સુધીમાં કોરોના રોગચાળો આવી ગયો.’
- Advertisement -