ત્રણ મહિનાની નિશ્ચિત સમય મર્યાદામાં મિલકતોની વિગતો જણાવવાનો હુકમ
મિલકતોની રજુઆતમાં વિસંગતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
બીજીવાર ચુંટણીમાં ભવ્ય વિજય બાદ યોગી આદિત્યનાથ એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે. યોગી આદિત્યનાથે રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. યોગી આદિત્યનાથે તેમના પ્રધાનોને તેમની સંપત્તિ અને તેમના પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતો જાહેર કરવા સુચના આપી દીધી છે.
મંગળવારે કડક સુચનાઓ આપીને તેમણે કહ્યું છે કે, પ્રધાનોના પરિવારજનોએ સરકારી કામમાં દખલ ન કરવી જોઈએ. તેમજ સીએમ યોગીએ જંગમ અને સ્થાવર મિલકતોની જાહેરાત કરવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે.
- Advertisement -
નિયમોનુસાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમલદારોએ નિયમિત સમયાંતરે પોતાની અને તેમના પરિવારના સભ્યોની સંપત્તિ જાહેર કરવાની હોય છે પરંતુ આ ભાર મુકવાના મુખ્યમંત્રીના આદેશને સરકારી ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરેન્સ તરફની કામગીરી તરીકે ગણવામાં આવશે. યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, ફરી વિગતો આપવામાં કંઈ ખોટું નથી. જેમણે સાચી વિગતો આપી નથી તેઓએ બે વાર વિચારવું પડેશે. જો વિગતો આપ્યા બાદ વિસંગતતા જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકશાહી માટે જનપ્રતિનિધિઓના વર્તનની પવિત્રતા જરૂરી છે. આ ભાવના મુજબ તમામ મંત્રીઓએ શપથ લીધા પછી આગામી ત્રણ મહિનાની અંદર પોતાની અને તેમના પરિવારના સભ્યોની તમામ જંગમ અને સ્થાવર મિલકતની જાહેર ઘોષણા કરવી જોઈએ. લોકપ્રતિનિધિત્વના અધિનિયમના નિયમોનું પાલન સુનિશ્ચિત કરતી વખતે પ્રધાનો માટે નિર્ધારિત આચારસંહિતાનું કડકાઈથી પાલન કરવું જોઈએ તેમ સીએમ યોગીએ જણાવ્યું હતું.