આવતીકાલથી પવનની દિશા પલટાતા ગરમીમાં આંશિક રાહત મળશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે
રાજ્યમાં રાજકોટ 42.0 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર ગુજરાતમાં છેલ્લાં પાંચ દિવસથી ગરમી અને લૂનું સામ્રાજ્ય છવાયું છે. તો આજે બપોરે 12.00 વાગ્યે હવામાન વિભાગના આંકડાઓ મુજબ સમગ્ર ગુજરાતમાં રાજકોટ હોટેસ્ટ સિટી બન્યું છે. રાજકોટમાં આજે બપોરે 12.00 વાગ્યે 42.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે, બપોરે હજુ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. આજે કચ્છ, પોરબંદર, રાજકોટ અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન ગરમીનું તાંડવ સહન કર્યા બાદ લોકોને આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે આજે કચ્છ, પોરબંદર, રાજકોટ અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જો કે, આવતીકાલથી રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે. પવનની દિશા પલટાતા રાજ્યનું તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો આવશે. હાલમાં ગુજરાત ઉપર પશ્ર્ચિમ અને ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. જેથી તાપમાનમાં ઘટાડો આવશે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓની મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ કે તેનાથી ઓછું રહેવાની શક્યતાઓ છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન ધીમે ધીમે બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવતા અતિશય ગરમીથી રાહત મળશે. અમદાવાદ શહેરમાં આજે વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
રાજકોટની શાળાના ગ્રાઉન્ડમાં શેડ બાંધવા અને ઘછજ કોર્નર ઊભા કરવા આરોગ્ય વિભાગની અપીલ
રાજકોટ શહેર-જિલ્લામાં ઉનાળાનાં પ્રારંભે ભારે ગરમીને લઈ લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આગામી 2 દિવસ હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા હોય રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનનો પારો વધતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. તેમજ શાળાઓનાં ગ્રાઉન્ડમાં શેડ બાંધવા અને ઘછજ કોર્નર ઉભા કરવા અને પાણીની વ્યવસ્થા કરવા ઉપરાંત લોકોને પણ જરૂરી કામ સિવાય બપોરનાં સમયે ઘરની બહાર ન જવા જિલ્લાનાં આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સાથે જ હીટ સ્ટ્રોક જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.
- Advertisement -
હિટવેવને લઇ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ટોલ ફ્રી નંબર જાહેર કરાયા
રાજકોટના અધિક જિલ્લા કલેકટર એ. કે. ગૌતમ દ્વારા હિટવેવથી બચવા માટે સામાન્ય લોકો માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. બપોરે 12 કલાકથી બપોરે 3 કલાકની વચ્ચે સખત પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ તો આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળવા સહિતની સલાહ આપવામાં આવી છે. આ અંગે કોઇપણ તકલીફ જણાય તો 108 ઇમરજન્સી અથવા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર રાજકોટના ફોન નં.0281- 2471573 તથા ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરી શકાશે.
સગર્ભા માતા, નાનાં બાળકો, વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું
આ અંગે ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે, હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે કેટલીક કાળજી રાખવી વિશેષ જરૂરી હોય છે. ખાસ કરીને સગર્ભા માતા, નાનાં બાળકો અને ઉંમરવાળા વ્યક્તિઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં આપણે ખાસ કાળજી વધારે રાખવાની જરૂરિયાત હોય છે.