રાજકોટ ઠંડુગાર: સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટ સૌથી ઠંડા શહેર, અમદાવાદમાં ઉત્તરાયણ જેવો પવન ફૂંકાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર માટે ખાસ ઠંડીનો યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. સતત બે દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહીને પગલે નલિયામાં બે દિવસ અને રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. ત્યારે હજુ પણ આગામી 24 કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં શિયાળાએ અડિંગો જમાવ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી સતત મહત્તમ અને લઘુતમ તાપમાન ઘટતું જઈ રહ્યું છે, જેને કારણે ગુજરાતવાસીઓ માટે શિયાળો બરાબર જામ્યો છે. ઠંડીનું પ્રમાણ વધુ રહેતા અનેક જિલ્લાઓમાં શાળાના સમયમાં પણ ફેરફાર કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ વધુ રહેતા શિયાળુ પાકને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિવસે સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત લઘુતમ તાપમાન યથાવત રહ્યું હતું. સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટશે, પરંતુ પવનની ગતિ વધુ અનુભવાતા અમદાવાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતા આ ગતિ 25 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા અમદાવાદ શહેરમાં તડકાની સાથે શહેરીજનોને ઠંડી પણ અનુભવાઈ રહી છે. જોકે આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27થી 28 ડિગ્રી સેલ્સિયસ રેવાની શક્યતાઓ છે, પરંતુ ઠંડા પવનો ફુકાતા ઠંડીનું પ્રમાણ વધુ રહેશે.
હવામાન વિભાગની ગતરોજની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં ઉત્તર દિશા તરફથી પવનો આવતા ઠંડીનું જોર વધ્યું હતું. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન પણ કચ્છના નલિયામાં અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું.
આ ઉપરાંત નલિયા અને રાજકોટમાં રાજ્યનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાવ્યું હતું. આ બંને સ્થળ પર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આગામી 14 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે તે મુજબ હવે લઘુતમ તાપમાન ધીમે ધીમે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ત્રણ મહાનગરમાં પણ લઘુતમ તાપમાન યથાવત્ રહ્યું હતું, જેમાં અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 12 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં જેમ કે ભુજ અને ડીસામાં 12 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Advertisement -
રાજકોટમાં કડકડતી ઠંડીનું કારણ શું?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવ્યું હતું કે, રાજકોટમાં જે પ્રકારે સતત બે દિવસથી કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે તેનું મુખ્ય કારણ છે કે, હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગો ઉપર ઉત્તર દિશા તરફથી સીધા પવનો આવી રહ્યા છે. સામાન્ય રીતે પવન ઘડિયાળની ઊલટી દિશામાં ફરીને ઉત્તરથી ગુજરાત તરફ આવતા હોય છે, પરંતુ હાલમાં પવનની દિશા સીધી ઉત્તર તરફથી આવી રહી છે અને ઉત્તર ભારતમાં હાલમાં હિમવર્ષા થઈ રહી છે જેથી હિમવર્ષાના 48 કલાકમાં ગુજરાત સુધી તેની ઠંડીની અસરો આવે છે. ત્યારે સતત 4થી 5 દિવસથી જે પ્રકારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે તેના સીધા પવનો ગુજરાત તરફ આવે છે અને ખાસ કરીને કચ્છ રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં આ સીધા પવનોની અસરને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે હજુ પણ આગામી 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ખાસ કરીને રાજકોટમાં સતત બીજા દિવસે રહી છે. તેનું કારણ છે કે, ઉત્તર તરફથી આવતા પવનોની ગતિ ત્યાં ધીમી થવાથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને સામાન્ય કરતાં ઓછું લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું છે.