કાર્તિક મહેતા
યાવત જીવેત સુખં જીવેત, કૃતમ ઋણવા ઘૃતમ પિબેત અર્થાત: જેટલું જીવો એટલું સુખથી જીવો, દેવું કરીને પણ ઘી પીવો
- Advertisement -
આવું લગભગ પાંચેક હજાર વર્ષ પહેલા ચાર્વાક ઋષિ કહી ગયા છે.આ ફિલોસોફી આજના નવા જમાનાની ફીલોસીફી છે. કહેવાતા વિકસિત દેશોમાં લોકો આ જ રીતે જીવે છે. પણ એ લોકો ઘી નથી પીતા, જંક ફૂડ ખાય છે અને એટલે દુ:ખી થાય છે, દુનિયાના સહુથી રોગી દેશોમાં અમેરિકા ખાસ્સું આગળ છે. એ લોકો ઘી પીતા હોત તો એટલા દુ:ખી ના હોત.જોકે હવે આપણે પણ એમને રસ્તે છીએ. આપણે ત્યાં પણ જન્ક ફૂડ ખાઈને લોકો પારાવાર બીમાર પડી રહયા છે પણજીભના છન્દ આગળ કોનું ચાલ્યું છે? ખેર, ચાર્વાકે ઘી પીવાનું કહ્યું હતું, પીવા માટે તો તેલ પણ પી શકાય છે પણ ચાર્વાકે તેલ પીવાનું કહ્યું નથી.હમણાં ફાટી નીકળેલી બહારનું ભોજન કરવાની ટેવે આપણને તેલ પીતા કરી દીધા છે. તેલ પીવા ગયો કે તેલ લેવા ગયો એવો શબ્દપ્રયોગ આપણે બહુ સામાન્ય છે પણ આ શબ્દપ્રયોગ પણ આજના તેલ જેવો ગંદો છે, એનો અર્થ સારો નથી. તેલ હોય કે ઘી , બેય ચરબી છે, સંસ્કૃતમાં એને મેદ કહેવાય. મેધા આપે તે મેદ. આ વાતને તો સાયન્સ પણ અનુમોદન આપે છે કે મગજના વિકાસ માટે ચરબી અનિવાર્ય છે.સામાન્ય રીતે વિલન ગણવામાં આવતા કોલેસ્ટરોલનો આપણા મગજના વિકાસ માટે બહુ અગત્યનો રોલ છે. વનસ્પતિ તેલોમાં કોલેસ્ટેરોલ નથી હોતું પણ લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કહેવાતી નુકસાનકારક ચરબી હોય છે. કોલેસ્ટેરોલ માત્ર પ્રાણીજ ચરબીમાં હોય છે. ચીઝ, ઘી વગેરેમાં કોલેસ્ટેરોલ હોય છે પણ કોઈપણ પ્રકારના તેલ જેમકે સીંગતેલ કે પામોલીન એકેયમાં કોલેસ્ટેરોલ નથી હોતું. આથી જે માણસ શાકાહારી છે અને સાવ ઓછું ઘી દૂધ ખાય છે એને કોલેસ્ટ્રોલ હોવાનો સંભવ નથી, ઉલટાનું એને બીજી અનેક શારીરિક માનસિક ખામીઓ હોઈ શકે.
ભગવદ ગીતાજીમાં પણ આપણને શ્રીકૃષ્ણ સ્નિગ્ધ એટલે કે ચીકણાશયુક્ત આહાર લેવાનું સૂચન કરે છે. સ્નિગ્ધ એટલે કે ચીકણો આહાર પોષક હોય છે, શરીરને હ્રુષ્ટ અને પુષ્ટ કરે એવો હોય છે. લુખ્ખો આહાર તામસિક પ્રકૃતિના લોકોનો આહાર છે એવો ગીતાજીમાં ઉલ્લેખ છે. આપણે ત્યાં ગામડાઓમાં રોટલા ભખરી કે રોટલી ક્યારેય લુખ્ખા ખવાય નહિ એવી સમજણ બહુ જૂની છે.
તો તેલ અને ઘી તો અનિવાર્ય છે. એની વિના ભોજનનો સ્વાદ નથી કે નથી ભોજનમાં કસ. પરંતુ હવે તેલ અને ઘીમાં કેટલો કસ રહ્યો છે તે પણ મોટો સવાલ છે. રોજ કોઈ નકલી ઘી નો જથ્થો પકડાય છે. ધર્મસ્થાનોના પ્રસાદમાં પણ ભેળસેળીયું ઘી પકડાય છે.ઘીમાં મટન ટેલો થી લઈને વનસ્પતિ તેલ સુધીનું બધું ભેળવાય છે. તેલ બાબતે થોડું આશ્વાસન છે. જુના સમયમાં કેવળ તલનું તેલ ખાવામાં લેવાતું પણ હવે તો તે દુર્લભ છે. સીંગતેલમાં પામતેલની ભેળસેળ થવાની વાતો હવે જગજાહેર છે એટલે લોકોએ શુદ્ધ તેલ મેળવવા માટે મીની મિલો અને કાચી ઘાણીઓ પર નજર ફેરવી છે. આજે પરિસ્થિતિ એવી છે કે એક સમયે ડબલ ફીલ્ટર્ડ તેલની જાહેરાતો કરતી મોટી કમ્પનીઓ એ હવે ઘાણીના તેલની જાહેરાતો કરવા પર આવી જવું પડ્યું છે. અનેક નાના તેલ ઉત્પાદકો, મીની મિલ્સ અને કાચી ઘણીઓ ભેગા થઈને કંપનીઓ ને હંફાવી રહયા છે જે ખુબ સારો સંકેત છે.
- Advertisement -
શાકાહારી ખોરાકમાં ચરબીનું પ્રમાણ માંસાહારી ખોરાક કરતા ઘણું ઓછું છે એટલે શાકાહારીઓએ ઘી અને તેલ ઉપર આધાર રાખવો પડે છે. એમાં ને એમાં શરીરમાં ચરબી સંગ્રહ થતો જાય છે એની ભાન રહેતી નથી. શરીર માટે સહુથી ઓછા વજનમાં સહુથી વધારે શક્તિ સંગ્રહ કરી શકાય એવું એક જ રસાયણ છે અને તે છે ચરબી. આથી શરીર એક્સ્ટ્રા એનર્જીને ચરબીના સ્વરૂપમાં સંગ્રહ કરે છે. આ ચરબી ક્યુબ આકારના કોષોમાં ભેગી થાય છે. આથી શરીર ઉપર ફાંદ જન્મ લે છે. ચરબીનું વજન સ્નાયુઓ કરતા ઓછું હોય છે એટલે કહી શકાય કે આજની વજન ઘટાડવાની આંધળી દોટ પણ નકામી છે. ખરેખર તો કમરનો ઘેરાવો ઘટાડવો જોઈએ, વજન નહિ. માપસર વજન શરીરના ચુસ્ત બંધારણ અને એની કાર્યક્ષમતા માટે અનિવાર્ય છે. આથી ઘણા બધા લોકો વજન ઘટાડવાના ચક્કરમાં શરીરને બગાડી નાખે છે. વજન ઘટાડવાને બદલે કમરનો ઘેરાવ ઘટાડવા પર ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ પરિણામ આવે.
આ ઘેરાવો ઘટાડવા માટે એટલે કે એના પરની ચરબી બાળવા માટે ઉત્તમ કાર્ય છે : રનિંગ અથવા બ્રિસ્ક વોકિંગ. રનિંગ કે વોકિંગ થી શ્વાચ્છોશ્વાસની ધમણથી મોઢા વાટે જે ગરમ ગરમ વરાળ જેવો ઉચ્છ્વાસ નીકળે છે તે બીજું કશું નહિ પણ તમે મોંઘા ભાવે ખરીદેલું તેલ કે ઘી જ હોય છે. શરીર એને ચરબીને બાળીને (વાહનના એન્જીનની જેમ) કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે.
આથી ખુબ ઘી ખાવ અને ખુબ દોડો.. દેવું કરો પણ ઘી પીવો.