વ્યવસ્થાના ભાગરૂપે હવેથી મંદિરના કર્મચારીઓ પ્રસાદ બનાવશે
ખાસ-ખબર સંવાદદાતા
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. આ મોહનથાળના પ્રસાદ માટે વાપરવામાં આવતા ઘીમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું સામે આવ્યું હતું અને તંત્ર દ્વારા 180થી વધુ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. એવી આશંકા હતી કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ પ્રસાદમાં ભેળેસળયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે અને ઘી શંકાસ્પદ જણાતા બનાસ ડેરીમાંથી ઘી મંગાવીને પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એવી માહિતી સાંપડી રહી છે કે હવેથી મંદિરના કર્મચારીઓ દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે.
- Advertisement -
યાત્રાધામ અંબાજીમાં આપવામાં આવતા મોહનથાળના પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ફેઇલ ગયા બાદ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઘીનું સેમ્પલ ફેઇલ થવાથી મોહનથાળનો પ્રસાદ બનાવવાનું ટેન્ડર મોહિની કેટરર્સ સાથે રિન્યુ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ સાથેજ જ્યાં સુધી નવી યોગ્ય સંસ્થાને વહિવટી તંત્ર દ્વારા ટેન્ડર આપવામાં ન આવે ત્યાં સુધી મંદિરના કર્મચારીઓ દ્વારા માઇભક્તો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે.મોહિની કેટરર્સ સામે આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. મોહિની કેટરર્સ દ્વારા પ્રસાદની માગને પહોંચી વળવા માટે અમદાવાદના માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને ઘીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને લઇને ફૂડ એન્ડ હેલ્થ વિભાગ દ્વારા નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતું. નોંધનીય છેકે, મોહિની કેટરર્સ દ્વારા મોહનથાળ બનાવવામાં વપરાશમાં લેવાતા ઘીના નમૂના 28 ઓગસ્ટના રોજ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 15 સપ્ટેમ્બરના રોજ આવતા ઘીના જથ્થાને સીલ મારવામાં આવ્યું હતું.
નકલી ઘીનો રેલો અમદાવાદમાં, માધુપુરાના દુકાનદારે વેચ્યું હતું ઘી પોલીસ ટીમ તપાસ કરવા માટે માધુપુરા પહોંચી: દુકાનનો માલિક ફરાર થઈ ગયો
ખાસ-ખબર સંવાદદાતા
અંબાજીના મેળામાં લાખો લોકોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો, ત્યારે હવે ખુલાસો થયો છે કે આ મોહનથાળમાં જે મોહિની કેટરર્સ દ્વારા ઘી આપવામાં આવ્યુ હતું, તેના સેમ્પલ ટેસ્ટમાં ફેઈલ થયા છે અને આ નકલી ઘી હોવાનું સામે આવ્યું છે. વધુમાં તપાસ કરતા આ તપાસનો રેલો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે. માધુપુરામાંથી નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘી ખરીદાયું હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તપાસમાં બહાર આવ્યું છે કે નકલી ઘીનો પુરવઠો અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યો હતો. જે મોહિની કેટરર્સ દ્વારા બાદમાં અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ બનાવવામાં વાપરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ માટે નીલકંઠ ટ્રેડર્સ પહોંચી છે, જેમાંથી 15 કિલોના 3 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં જો કે તપાસમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકનમાંથી મળી આવ્યા નથી અને દુકાનના કારીગરો તપાસમાં સહકાર ન આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ માટે અમદાવાદ મનપાની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ પણ માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડર્સની દુકાને પહોંચી હતી અને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને નકલી ઘીનો હજુ વધુ કેટલો જથ્થો નીલકંઠ ટ્રેડર્સ પાસે હાજર છે અથવા આ જથ્થો અંબાજી સિવાય અન્યા કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યો છે.
- Advertisement -
તેની પણ તપાસ થઈ રહી છે. માલિક ફરાર જો કે છેલ્લી માહિતી અનુસાર પોલીસ અને મનપાની ટીમ માધુપુરા પહોંચે તે પહેલા જ નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનથી ગાયબ થઈ ગયા હતા. આ ઉપરાંત દુકાનના કારીગરો પણ ચાવી લઈને બહાર નીકળી ગયા હતા અને તપાસમાં સહયોગ આપી રહ્યા ન હતા.