જામનગર યાર્ડમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાની વિદાય થતાની સાથે જ રાજકોટ, જામનગર, ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની મબલક આવક થતા હરાજીની પ્રક્રિયામાં રોક લગાવવી પડી હતી તો રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની આવક શરૂ થતા યાર્ડ ઉભરાઈ પડ્યું હતું.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ગતરાતે મગફળીની ભારે આવક થતાં યાર્ડ ભરચક થઈ જતા સવારે આવક બંધ
કરાઈ હતી.
- Advertisement -
ગતરાતથી જ પોરબંદર, વેરાવળ, કાલાવડ, જામનગર અને છેક હળવદથી મગફળીની આવક શરૂ થતા સવાર સુધીમાં દોઢ લાખ ગુણીની આવક નોંધાઈ હોય સવારે 10 વાગ્યે યાર્ડ દ્વારા આવક બંધ કરાઈ હતી. મગફળીનો રૂ. 1000થી લઈ રૂ. 1450 સુધીનો ભાવ બોલાયો છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસથી મગફળી અને કપાસની હરાજીની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે મગફળીની હરાજી દરમિયાન પ્રતિ મણનો રૂપિયા 1710નો ભાવ બોલાયો હતો, જે રેકોર્ડ બ્રેક છે.
ગત સીઝનમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ 1665 હતો, જેમાં આજે નવો રેકોર્ડ થયો છે. અને રૂપિયા 1710નો ઓલ ટાઈમ હાઈ ભાવ બોલાયો છે. જે સમગ્ર ગુજરાતમાં પણ ઊંચામાં ઊંચો ભાવ છે. જેથી ખેડૂત ખુશખુશાલ બન્યા છે.
જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામના ખેડૂત સવજીભાઈ નાનજીભાઈ ભંડેરી કે જેઓની 150 ગુણી મગફળીના મણનો ભાવ 1710 રૂપિયા બોલાયો હતો. અને આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,550 મગફળીની ગુણીને આવક થઈ હતી.