વાત કરું કે કરું વારતા, સાજન તમને ગમે ખરું કે?
વ્હાલી, જિંદગી.
તું મારા અસ્તિત્વનું કેન્દ્રબિંદુ છે. સમયનું ચક્ર રાબેતા મુજબ ચાલી રહ્યું છે. હું આસન લગાવી, જ્યોત પ્રગટાવી ધ્યાનસ્થ થાઉં છું પછી કશું જ જાણવા જેવું રહેતું નથી. તારી આસપાસ તેજ કિરણો ફૂટી નીકળ્યા છે. આ એ જ કિરણો છે જે મારું તારામાં હોવાપણું દર્શાવે છે. કારણ કે માણસ એની જ ઉપાસના કરે છે જેનામાં તેણે શ્રદ્ધા વાવી હોય. મારી શ્રદ્ધા ઊગી નીકળી છે- એ સ્વયંભૂ છે. હું મારી શ્રદ્ધા વડે તને મહેસૂસ કરી શકું છું. મારી બધી જ ચેતના તારા હોવાનો જીવંત પૂરાવો છે.
જેની ભીતર સતત અજવાળું જ હોય તેનામાં અશ્રદ્ધા કે અંધકાર પ્રગટે તો જીવન ખુબ જ અકારું થઈ પડે છે. પ્રકાશ એ શ્રદ્ધાને જીવતી રાખતો ભોમિયો છે. તારી આંખો મારા અંધારભર્યા જીવતરને ઊજાળનાર બે દીવડા છે. એ આંખોમાં છલકાતો નિરંતર પ્રેમ મને શિખર પર લઈ જઈ મારામાં શ્ર્વાસ પૂરે છે. દુનિયા માટે સવાર એ સૂર્યોદયનું સરનામું હશે પરંતુ તારી નજર જે જે ક્ષણે મારા પર પડે છે એ દરેક ક્ષણ મારો સૂર્યોદય છે. સૂરજ મારામાં સરનામું પૂછ્યા વગર પ્રવેશી વારે વારે ઉદય થઈને આપણાં પ્રેમને પ્રકાશિત કરતો રહે છે.
- Advertisement -
રણની એકલતા રેતીના પ્રત્યેક કણને અંદરથી ખોખલું કરી સતત એ કણને ખોતરતી રહે છે, અને એ જ કણ હવાની આંધી વચ્ચે ઘૂમરાઈ-ફંગોળાઈ રેતીમાં ભળી જઈ પોતાપણું જ ગૂમાવી બેસે છે. હું પણ એ રણની રેતીનો જ એક કણ છું, ક્ધિતુ મારામાં સૂનકાર નથી, એકલતા નથી. મારા હોવામાંથી અભરે ભરાય એટલું અંદર પડ્યું છે. તારા નાજુક- નમણા હોઠની એક ફૂંકથી હું જાગી જઈશ… વાગી જઈશ… એ ફૂંક મારામાં ગોકુળ, મથુરા, વૃંદાવન ઊભું કરશે જ્યાં માત્ર પ્રેમ જ સર્વોપરી છે. તું જ મારી પ્રભાતફેરી છે અને તું જ મારી સાયંપૂજા છે. મેં છપ્પનભોગનો થાળ તારી સામે ધરી દીધો છે. એ થાળ આરોગી , મારી આસ્થા સ્વીકારી તું મારામાં ઝાલર બની ઝણઝણી ઊઠ. પ્રેમના પટાંગણમાં ગુલમહોરને મહોરવા માટે કોઈ ચોઘડિયા નથી જોવા પડતા. એ તો બસ પ્રેમ માટે પોતાની રતુંબલ લાલાશ દ્વારા વાતાવરણમાં પ્રેમાવરણ પાથરી સતત મહોરતો જ રહે છે.
તને સતત ચાહતો…
જીવ
(પંક્તિ:- માધવ રામાનુજ)