નવરાત્રી પહેલા જામનગરના કાલાવાડ શહેર સહિત તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ખેડૂતો, ગરબા સંચાલકો સહિત ખેલૈયાઓ ચિંતામાં
દેશભરમાં મોસમ અચાનક મિજાજ બદલી રહ્યું છે, ક્યાંક કેટલાંક રાજ્યોમાં ચોમાસાની વિદાયનો સિલસિલો જારી છે, ક્યાંક ઠંડીએ દસ્તક દીધી છે તો ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ તો ક્યારેક વાવાઝોડું અનુભવાય છે. હાલમાં હિમાચલ, દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં ચોમાસું ફરી એક્ટિવ થતાં કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે જારી રહ્યું છે. તો આ વચ્ચે ગુજરાતમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને વચ્ચે ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.
- Advertisement -
જામનગર પંથકમાં એક કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ
ગઈકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતા ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. મોડી રાત્રે જામનગરના કાલાવાડ શહેર સહિત તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જામનગર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અહીં એક કલાકમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. જામનગરના નીકાવા, શિશાંગ, રાજડા, મોટા વલાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો.
ખેડૂતો અને ગરબા આયોજકો ચિંતામાં
વરસાદથી ખેડૂતોના ઉભા પાકમાં ભયંકર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો કેટલીક જગ્યાએ વરસાદના કારણે કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન સહિતના પાકોમાં નુકસાન થયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. નવરાત્રી પહેલાં જ મેઘરાજાનું ફરી આગમન થતાં ગરબા આયજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે.
ગીરનાર પર્વત ઉપર પલટાયું હતું વાતાવરણ
આપને જણાવી દઈએ કે, ગઈકાલે જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલ્ટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. નવરાત્રી પહેલા ફરીથી મેઘરાજાનું આગમન થતાં ખેલૈયાઓ પર ચિંતા છવાઈ હતી.
- Advertisement -
લોકોને મળી હતી બફારાથી રાહત
આ ઉપરાંત ગતરોજ અમરેલી જિલ્લાનાં વાતાવરણમાં એકાએક પલટો આવતા લોકોએ બફારાથી રાહત મળી હતી. અમરેલીના બગરસા અને ફૂંકાવાવમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અત્યંત ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ ઠંકકનો અનુભવ કર્યો હતો. હાલ મગફળીની સિઝન ચાલુ હોઈ ખેડૂતો નુકસાન થવાની ભીંતી સેવી રહ્યા છે. બગસરા ગ્રામ્ય બાદ કુકાવાવમાં પણ વરસાદ પડ્યો હતો.
જેતપુરમાં પણ પડ્યો હતો વરસાદ
જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ પર વરસાદી માહોલ છવાયો હતો. અમરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે બફારા વચ્ચે વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિવાદ લઈ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. આ 17થી 19 ઓક્ટોબર દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે પણ કરી છે આગાહી
નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો નવરાત્રીના બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.