યોગ ભારતીય પરંપરા અને જીવનશૈલીનો એક અભિન્ન ભાગ : અપૂર્વભાઈ મણીઆર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મારૂતિનગર ખાતે આવેલા પ્રવીણકાકા મણીઆર કેમ્પસ અને રણછોડનગર તથા નવા થોરાળા ખાતે આવેલા સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રધાનાચાર્યો, આચાર્યો, ટ્રસ્ટીમંડળ, શૈક્ષણિક સ્ટાફ પરિવારે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. યોગ દિવસના કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થામાંથી પધારેલા રૂપાલીબેન પરીખ, આદિત્યરાજસિંહ ઝાલા, અસ્મિતાબેન કાથડ, સંદર્ભભાઈ સોરઠીયાએ ઉપસ્થિત રહીને જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું.
સરસ્વતી શિશુમંદિરના સભ્યો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાણાયામ, ધ્યાન, સવાશન, વ્રજાસન, બાલાસન, તાડાસન જેવા યોગનાં વિવિધ આસન – યોગાસન કરવામાં આવ્યા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, વૈશ્વિક વિરાસત યોગ ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન છે. યોગ ભારતીય પરંપરા અને જીવનશૈલીનો અભિન્ન એક ભાગ હોય દરેક વ્યક્તિએ નિયમિતપણે યોગ કરવા જરૂરી છે. યોગયુક્ત માણસ રોગમુક્ત બની જાય છે. દરેક વ્યક્તિએ યોગને પોતાની દિનચર્યામાં સ્થાન આપવું જોઈએ.