હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા!
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા!
વ્હાલી જિંદગી,
જે ધન્ય ક્ષણે તે મારો હાથ પકડ્યો એ પળ એટલે મારો પુનર્જન્મ. જેમ કોઈ નવજાતનો જન્મ થાય અને નવા વિશ્વને જોઈ અચંબિત થઈ જાય બિલકુલ એવી જ રીતે યુગોથી નિદ્રાધીન મારું મન તારા પ્રેમનાં એક હુંફાળા સ્પર્શથી જીવંત થયું. આ ક્ષણ એ મારે મન ખૂબ અણમોલ છે. પ્રેમનાં પ્રગટીકરણના વધામણાં કેવા હોય જિંદગી? તારા હૈયામાં ઉછાળા મારતાં લાગણીના ઘોડાપૂરને ખોબે ખોબે પી જવું છે. તારી છાતીમાં ઉગેલી કમળની પાંદડી પર બેસીને મારે જીવનના આનંદની ભવ્યતા માણવી છે. લાગણીઓના ગળચટ્ટા દરિયામાં ગરક થઈ, તારામાં ડૂબી, મારી ભીતર મીઠાશના નવા નવા ઝાડ વાવવા છે. હું આ બઘું જ કરી શકીશ કારણ કે તારી આંખોમાં દેખાતો પ્રેમ મને ક્યારેય નિષ્ફળ નહીં થવા દે. હું અત્યારે જેટલા આનંદ અને ઉત્સાહથી જીવું છું એટલા જ ઉત્સાહથી હજારો યુગો સુધી જીવી જઈશ કારણ કે હું કોઈ સામાન્ય વ્યક્તિને નહીં પણ મારી જિંદગીને પ્રેમ કરું છું. અને તું સારી રીતે જાણે છે કે તું મારાં માટે શું છે? જિંદગી મારી ઉછળતી લાગણીના સ્પંદનનું નામ છે… જિંદગી મારાં આત્માના અવાજમાં રહેલા રણકારનું નામ છે… જિંદગી મારી આંખમાં ડોકાતા વિસ્મયની પેલે પાર રહેલી અવિસ્મરણીય દુનિયાનું નામ છે… જિંદગી એ મારાં માટે ફક્ત એક નામ નથી બલ્કે મારી દુનિયા છે. એવી દુનિયા જ્યાં જગતનો બધો જ થાક થપ્પી લગાવી એક ખૂણામાં બેસી જાય. જ્યાં પ્રેમનાં સરવાળા ગુણાકારની રીતે થાય. જ્યાં સંબંધનું કોઈ બંધન ના રહેતાં મુકતમને ગમે ત્યાં ફરી શકાય.
- Advertisement -
જિંદગી! તું મારાં હૃદય સિંહાસન પર બિરાજી રાજ કરનારી મહારાણી છે. લખાયેલા અને ના લખાયેલા અક્ષરોની વચ્ચે રહેલી જગ્યા પર તારું આધિપત્ય છે. તારો વ્યાપ બાવન બહાર નીકળીને છેક બ્રહ્માંડના સામા છેડે વીંટળાયેલો છે. તું ભગવાન જેમ જ મારી દરેક ક્રિયામાં સર્વવ્યાપક છે. જેવી રીતે વડનું વૃક્ષ ફૂલી ફાલી એની વડવાઈ ફેલાવે – એ જ વડવાઈ ફરીથી જમીનમાં જઈ મૂળ બની વડને વધુ ઘટાટોપ બનાવે બિલકુલ એમ જ તું મારાં આયખાને સંવારે છે, નિખારે છે અને વધું મજબૂત બનાવે છે. જિંદગી! તું મારાં જીવતરની અણમોલ મૂડી છે. આ મૂડી મને મારી શ્રદ્ધા અને સમર્પણ તથા ઉત્કૃષ્ટ પ્રેમને કારણે પ્રાપ્ત થઈ છે. આ મૂડી હું આજીવન જાળવી રાખવા માગું છું. દુનિયા જેને ઈશ્વર કે ભગવાન કહે છે એને મેં ક્યારેય જોયો કે અનુભવ્યો નથી કારણ કે મને એની બિલકુલ જરૂર નથી લાગતી, મારી સાથે જિંદગી છે. તારા પ્રેમમાં, તારી નજરમાં મને એ ઈશ્વર કરતાં પણ કઈંક મહાનતમ દેખાય છે.
આ જ કારણ છે કે હું તને ભગવાન માની, પૂર્ણ શ્રદ્ધાવાન બની તારી પૂજા કરું છું. મારે મન તો પ્રેમ અને ભગવાન એ જ કે જે નજર સામે (પ્રત્યક્ષ) હોય વળી એની દરેક રગ રગમાં પ્રેમનો અવિરત ધોધ વહેતો દેખાય. જિંદગી! હું તારી પાસેથી રોજ અઢળક પામું છું. જીવન આટલું બધું પણ સુંદર હોઈ શકે એનો ખ્યાલ પણ નહોતો. તારી પ્રેમકૃપાથી આ મોંઘામૂલું જીવન મળ્યું છે તો ધન્યતા અનુભવવાનું એકે ય બહાનું શા માટે જતું કરવું? ધોધમાર ચાહવા માટેની પૂર્વશરતરુપી પ્રેમ પ્રગટે એટલે માણસ જીવવાની સાચી મજા માણી લે તો દરેકને જિંદગી વહાલી લાગે. શ્વાસ ઉશ્વાસમાંથી ઝીણું ઝીણું સૂરીલું નામ સતત ચાલી રહ્યું છે. સહેજ પણ અજંપા વગર હું ચેનથી ઊંઘી શકું છું કારણ કે મારી શ્રદ્ધા જાગે છે. ઊંડી શાંતિ મને સાવ હળવોફૂલ રાખે છે કારણ કે મારું સમર્પણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. હું બાવન બહાર પહોચીને તારી ઉપાસના કરવામાં લીન છું. સાત સૂરોની પેલે પાર પહોંચી તારા નામને હું મારી ભીતર ઓગાળી ભવસાગર પાર કરવા નીકળેલો સાગરખેડું છું. મારી નાદબ્રહ્મની આ સફર હવે જીવબ્રહ્મરુપે પ્રગટી જિંદગીને જીવી લેવા તત્પર છે. મારી જીજીવિષાને સતત જીવતી રાખનાર ધન્ય ક્ષણ એટલે તારું હોવું. મારાં ચાલતાં શ્વાસને ધક્કો આપવાનું કાર્ય કરતી શુભ ઘડી એટલે જિંદગીનામક માળાના જાપ.
તને સતત શ્વસતો,
જીવ.
(શીર્ષકપંક્તિ:- મુકુલ ચોકસી)