દસમા ધોરણના એક વિષયમાં ગ્રેસીંગ માર્ક થકી પાસ થનાર ટંકારા પંથકનાં યુવાન દિનેશ ખટાણા હાલમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં કેટલાય વિદ્યાર્થીઓ સારા માર્કસ અને ટકા સાથે ઉત્તીર્ણ થયા છે જયારે કેટલાકના માર્કસ ઓછા આવ્યાં છે તો કેટલાક નાપાસ પણ થયા છે પરંતુ ઓછા ટકા આવ્યાં હોય અને નાપાસ થયાં હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી જેનું જીવતું જાગતું ઉદાહરણ મોરબી જીલ્લામાં જ છે.
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાનાં નાનકડા એવાં વિરવાવ ગામનાં સામાન્ય પરિવારમાંથી આવતાં અને હાલમાં પરિવાર સાથે ટંકારા ખાતે સ્થાયી થયેલા ઈઅ દિનેશ દેવરાજભાઈ ખટાણા નામનાં યુવાનને ધોરણ 10 માં પૂરા પાસિંગ માર્કસ પણ ન આવ્યાં ! પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ દિનેશ ખટાણાની માર્કશીટ કંઈક અલગ જ હતી. તેમણે વિજ્ઞાનમાં માત્ર 31 માર્કસ જ હતાં જેના લીધે તેઓ નાપાસ જ હતાં પરંતુ બોર્ડ દ્વારા આપવામાં આવતાં ગ્રેસીંગ માર્કસનાં લીધે તેઓને વિજ્ઞાન વિષયમાં ચાર ગ્રેસીંગ માર્કનો ઉમેરો કરીને શિક્ષણ બોર્ડ દ્વારા પાસ કરવામાં આવ્યાં હતાં. દિનેશ ખટાણાને ધોરણ 10 માં માત્ર 49.08 ટકા આવ્યાં હતાં.
આ પરિણામથી હતાશ થવાના બદલે દિનેશે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે ધોરણ 10 પછી 11-12 કોમર્સનો અભ્યાસ રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં પુર્ણ કરીને 12મા ધોરણ પછી તેઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું નક્કી કર્યું હતુ. તેમણે પોતાના પરિવારમાં આ વાત કરતાં પરિવાર તરફથી પ્રોત્સાહન મળ્યું. દસમા ધોરણમાં માંડ પાસ થનાર અને પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ આ યુવાને કોઈની વાત કાને ધર્યા વગર બી.કોમ.ને એક્ષ્ટર્નલ તરીકે રાખીને અમદાવાદ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને તેની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયાં અને તેઓએ ધોરણ 12 પછીના 6 વર્ષમાં બી.કોમ. ની સાથે જ ખૂબ અઘરી ગણાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પણ પાસ કરી લીધી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયાં. હાલમાં તેઓ મોરબી ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પોતાનો નીજી વ્યવસાય કરી રહ્યાં છે.