EU વડાએ યુક્રેન યુદ્ધ અને મુક્ત વેપાર કરાર વાટાઘાટો પર પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી, શાંતિ પ્રયાસો અને વૈશ્વિક સ્થિરતામાં ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો. બંને પક્ષો વર્ષના અંત સુધીમાં FTAને અંતિમ સ્વરૂપ આપવા અને 2026 માં વ્યૂહાત્મક સમિટની યોજના બનાવવાનું લક્ષ્ય રાખે છે
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિશ્વભરના અનેક દેશના લોકો ચિંતિત છે. આમ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી યુદ્ધ બંધ કરાવવાના અનેક પ્રયાસો કરી ચૂક્યા છે અને દર વખતે તેઓ નિષ્ફળ ગયા છે. કારણ કે ટ્રમ્પ દમ-દાટી, ધમકી અને આકરા વલણનો ઉપયોગ કરીને યુદ્ધ બંધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે હવે વિશ્વભરની નજર ભારત પર પડતી જોવા મળી રહી છે. તાજેતરમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના વિદેશ મંત્રી બાદ હવે યુરોપિયન યુનિયન (EU) કમિશનના અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેયેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. ત્યારે આ બાબત દર્શાવે છે કે પશ્ચિમી દેશો રશિયા-યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવા માટે ભારતને મહત્ત્વના મધ્યસ્થી તરીકે જુએ છે.
- Advertisement -
યુરોપિયન યુનિયનના અધ્યક્ષાએ PM મોદી સાથે વાત કરી
ઉર્સુલા વોન ડેર લેયેને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરીને આનંદ થયો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ભારતના સંબંધો આવકારદાયક છે. રશિયાએ આક્રમકતા બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ અને આમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. આ યુદ્ધ માત્ર યુરોપ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષા અને આર્થિક સ્થિરતાને નબળી પાડી રહ્યું છે, જેના કારણે ભારત જેવા પ્રભાવશાળી દેશની મધ્યસ્થી ખૂબ જરૂરી બની જાય છે.’
ભારત-ઈયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્ણ કરવા માટે સહમત : PM મોદી
- Advertisement -
વડાપ્રધાન મોદીએ ઈયુના અધ્યક્ષા સાથે કરેલી વાતચીત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને ઈયુ અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેયેન સાથે ટ્રેડ, ટૅક્નોલૉજી, રોકાણ, સંરક્ષણ અને પુરવઠા ચેઈનને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમે ભારત-ઈયુ ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ને વહેલી તકે પૂર્ણ કરવા માટે સહમત થયા છે.’ વડાપ્રધાન મોદીએ યુક્રેન સંકટને સમાપ્ત કરવાના પ્રયાસો પર પણ ચર્ચા કરી અને બંને નેતાઓને ભારત-યુરોપિયન યુનિયન સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું.’
રશિયા-યુક્રેનનો ભારત પર વિશ્વાસ
યુદ્ધની શરુઆતથી જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં અનેક વખત યુદ્ધવિરામ અને વાતચીતથી ઉકેલ લાવવાની અપીલ કરી છે, જ્યારે પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરતાં રશિયા પાસેથી તેલની આયાત પણ ચાલુ રાખી છે. વડાપ્રધાન મોદીનું નિવેદન, ‘આ યુદ્ધનો યુગ નથી’ વિશ્વભરમાં શાંતિનું એક પ્રતીક સંદેશ બની ગયું છે. આ કારણે રશિયા-યુક્રેન બંને ભારત પર વિશ્વાસ રાખે છે.
અગાઉ ઝેલેન્સ્કીએ PM મોદી સાથે વાત કરી હતી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ અનેકવાર વડાપ્રધાન મોદી સાથે સીધી વાત કરી ચૂક્યા છે. તેમનું માનવું છે કે ભારત એક એવો દેશ છે જેના પર રશિયા અને પશ્ચિમ બંને વિશ્વાસ કરે છે. તેથી ભારતની મધ્યસ્થીથી સમાધાનનો માર્ગ ખુલી શકે છે.